ભારતમાં કોરોના વાયરસની ત્રીજી લહેર સાથે જ આરોગ્ય સુવિધાના દાવાઓની પોલ ખુલી ગઈ છે. સરકારી હોસ્પિટલો તો ઠીક ખાનગી હોસ્પિટલમાં પણ દવા, ઈન્જેકશન કે ઓક્સિજનની સુવિધાના ફાંફા પડી જતાં હજારો લોકો મોતને ભેટ્યા છે. બીજી તરફ સંક્રમણની સ્થિતિમાં ઝાઝો ફેર નહીં પડતા હવે દુનિયાના દેશો મદદ કરી રહ્યા છે. આવા કપરા કાળમાં અત્યાર સુધીમાં ગુગલ, ઓસ્ટ્રેલિયન ક્રિકેટર, રસીયા, યુએસ તથા બોલીવુડની પ્રિયંકા ચોપરા તથા તેનો પતિ નીક જોન્સે આ માટે પહેલ કરી છે. ભારતમાં કોરોના સામે ચાલી રહેલી આ લડતમાં બોલિવૂડ સ્ટાર્સ હવે ઉત્સાહ દાખવી રહ્યા છે. અભિનેત્રી અને પંજાબ કિંગ્સની ટીમની સહ-માલિક પ્રીતિ ઝિન્ટાએ પણ કોરોના સામેની લડતમાં સહભાગી થવાનો નિર્ણય કર્યો છે. તેની આઈપીએલ ટીમ જરૂરિયાતમંદ દર્દીઓના જીવ બચાવવા માટે ઓક્સિજન કંસેટ્રેટર્સની ખરીદી કરશે. આ મશીન તે દેશમાં ભેટ આપશે. પ્રીતિ જીન્ટાના જણાવ્યા પ્રમાણે પંજાબ ફ્રેન્ચાઇઝીએ રાઉન્ડ ટેબલ ઇન્ડિયા (RTI) નામની સંસ્થા સાથે ભાગીદારી કરી છે. જેને ઉદ્દેશ્ય હાલના જરૃરિયાતમંદ દર્દીઓને રાહત પહોંચાડવાનો છે.
પ્રીતિએ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કરેલા મેસેજમાં લખ્યું છે કે, ભારતમાં કોરોના રોગચાળાને લઈને આરોગ્ય સેવા કથળી ચુકી છે. દર્દીઓ અનેક પ્રકારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પંજાબ કિંગ્સે તેમના પાર્ટનર રાઉન્ડ ટેબલ ઇન્ડિયા સાથે મળીને દર્દીઓને મદદ કરવાનો નિર્ણય કર્યો છે. જે મુજબ અમે દેશમાં મફત ઓક્સિજન કંસટ્રેટર્સ આપવાની દિશામાં ભંડોળ એકત્ર કરવા પ્રયાસો શરુ કર્યા છે. મને ખાતરી છે કે, આપણે સૌ સાથે મળીને આ જંગ જીતીશું. અમે તમામ લોકોને આ ઝુંબેશમાં જોડાવા અપીલ કરીએ છીએ.
ઉલ્લેખનીય છે કે પ્રિયંકા ચોપરા તથા તેના પતિ નીક જાન્સે પણ પાંચ દિવસ પહેલાં ભારતમાં કોરોનાગ્રસ્તોની મદદ માટે 2.88 કરોડ એકત્ર કર્યા હતા. આ રકમ તે ટુંક સમયમાં જ સરકારને સોંપશે. ત્રણ દિવસ પહેલા પંજાબ કિંગ્સના બેટ્સમેન નિકોલસ પૂરે પણ ભારતને કેટલીક રકમ દાન કરવાનો નિર્ણય કર્યો હતો. ટ્વિટર પર આ ખેલાડીએ અપીલ કરી છે કે જો તમને રસી લઈ શકો તો કૃપા કરીને લઈ લો, હું મારા ભાગનું કામ કરીશ. હું આ સંકટને દૂર કરવા માટે મારા આઈપીએલ પગારનો એક ભાગ દાન કરીશ.