અમેરિકાએ આફઘાનિસ્તાનમાંથી પોતાના સૈનિકોને પાછા ખેંચી લેતા જ તાલિબાને હુમલાઓ શરુ કરીને અફઘાનિસ્તાનના વિસ્તારો પર કબજો જમાવવાનું શરુ કર્યું હતુ. જો કે, હવે આફઘાનિસ્તાન પણ તાલીબાનોને યોગ્ય જવાબ આપી રહ્યું છે. દરમિયાન રવિવારે આફઘાનિસ્તાનની વાયુસેનાએ એરસ્ટ્રાઈક કરીને તાલીબાનીઓને કેમ્પોનો સફાયો કર્યો હતો. જેમાં લગભગ 500થી વધુ આતંકીઓ મોતને ભેટ્યા હોવાના અહેવાલો છે. મીડિયાના અહેવાલો મુજબ તાલિબાનોએ શનિવારે ઉત્તર અફઘાનિસ્તાનના જવાજજાન પ્રાંતની રાજધાની શેબગર્ન શહેર પર કબજો કર્યો હતો. જેના એક દિવસ પહેલા 6 ઓગસ્ટે નિમરોજનું ઝરંજ શહેર પણ તાલિબાનીઓએ ‘કોઈપણ લડાઈ કર્યા વગર કબજે લીધું હતુ. જે બાદ અફઘાન સેના અને તાલિબાન વચ્ચે ફરી સંઘર્ષ થયો હતો. દરમિયાન, અફઘાન એરફોર્સે છેલ્લા 24 કલાકમાં તાલિબાન વિરુદ્ધ સૌથી મોટી કાર્યવાહી કરી છે.
સુત્રોના જણાવ્યા પ્રમાણે શનિવારે રાત્રે આફઘાનિસ્તાનની વાયુસેનાએ તાલીબાનીઓના કેમ્પને નિશાન બનાવતા હવાઈ હુમલા કર્યા હતા. આ હુમલામાં તાલિબાનીઓના અનેક ઠેકાણા નષ્ટ થયા હતા. શેબગર્ન શહરમાં તાલિબાનના મથકો પર થયેલા હવાઈ હુમલાને કારણે 500થી વધુ આતંકવાદીઓ મોતને ભેટ્યા હતા. અમાને વધુમાં જણાવ્યું હતું કે, વાયુસેનાએ શનિવારે સાંજે 6:30 વાગ્યાની આસપાસ B-52 બોમ્બર સાથે શાનબર્ગ શહેરના જવઝાન પ્રાંતમાં કે જયાં તાલિબાની આતંકવાદીઓ હાજર હતા તેને શોધીને હુમલો કર્યો હતો. “નંગરહાર, લગમન, ગઝની, પાકટીયા, પક્ટીકા, કંદહાર, ઉરુઝગાન, હેરત, ફરાહ, જોઝજન, સર-એ-પોલ, ફર્યાબ, હેલમંડ, નિમ્રુજ, તખાર, કુંદુઝમાં તાલિબાની થાણાઓ પર હવાઈ હુમલામાં 572 આતંકવાદીઓ માર્યા ગયા છે. અને 309 અન્ય ઘાયલ થયા છે. રવિવારે અફઘાનિસ્તાનના સંરક્ષણ મંત્રાલયના અધિકારી ફવાદ અમાને એક ટ્વીટમાં જણાવ્યું હતું કે, અફઘાન એરફોર્સના હુમલામાં 12 તાલિબાની માર્યા ગયા છે અને અનેક ઘાયલ થયા છે. જયારે હવાઈ હુમલામાં 500થી વધુ તાલિબાની આતંકીઓનો સફાયો કરાયો છે. અફઘાન વાયુસેનાએ શેનબર્ગ શહેરમાં તાલિબાનના ઠેકાણાઓને નિશાન બનાવ્યા હતા. હુમલાઓને કારણે તાલીબાની આતંકીઓના હથિયારો અને દારૂગોળાનો જથ્થા પણ નાશ પામ્યો છે.