2014માં લોકસભાની ચૂંટણી જીત્યા બાદ પીએમ મોદીએ દુનિયાના અનેક દેશોની મુલાકાત લીધી છે. આ મુલાકાતમાં મોટાભાગે વિદેશમાં વસતા ભારતીય સમુદાય સાથે કાર્યક્રમમાં હાજરી આપી મોદીએ તે લોકોને વતન ભારતનું વજુદ યથાવતા રહ્યાનો વિશ્વાસ અપાવ્યો હતો. જો કે, 2020મા કોરોનાને કારણે મોટાભાગના દેશ વચ્ચે આંતરરાષ્ટ્રીય અવરજવર બંધ કરાઈ હતી. જેમાં ભારત સરકારે પણ પ્રવાસના આયોજનો ટાળી દીધા હતા. હવે 13 મહિના પછી કોરોના સામે જયારે રસીકરણ ઝુંબશે સમગ્ર વિશ્વમા વ્યાપ્ત થઈ ચુકી છે ત્યારે મોદીએ ફરી વિદેશી સફર કરવાનો નિર્ણય કર્યો છે.
બાંગ્લાદેશના PM શેખ હસીનાએ થોડા માસ અગાઉ PM નરેન્દ્ર મોદીને આમંત્રણ આપ્યું હતુ. તેથી મોદી હવે 26 અને 27 માર્ચ, 2021ના રોજ બાંગ્લાદેશની મુલાકાત કરશે. આ અગાઉ મોદી 2015માં બાંગ્લાદેશ ગયા હતા. 26 માર્ચે બાંગ્લાદેશના રાષ્ટ્રીય દિવસ કાર્યક્રમમાં મોદી અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે. આ સમયે બાંગ્લાદેશના PM શેખ હસીના સાથે દ્વિપક્ષીય પરામર્શ કરાશે. ઉપરાંત બાંગ્લાદેશના રાષ્ટ્રપતિ મો. અબ્દુલ હમીદ, બાંગ્લાદેશના વિદેશ પ્રધાન ડૉ. એ. કે. અબ્દુલ મોમેન સાથે પણ મોદીની મુલાકાત અને બેઠકનું આયોજન કરાયું છે. કોવિડ રોગચાળો ફાટી નીકળ્યા પછી મોદીની બાંગ્લાદેશ મુલાકાત પ્રથમ વિદેશી પ્રવાસ છે. આ મુલાકાત ત્રણ યાદગાર પ્રસંગો સાથે જોડાયેલી છે, જેમાં શેઠ મુજીબુર રહેમાનની જન્મ શતાબ્દી – મુજીબ બોર્શો, ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રાજદ્વારી સંબંધોની સ્થાપનાના 50 વર્ષ તેમજ બાંગ્લાદેશની મુક્તિ યુદ્ધના 50 વર્ષ થતા હોય, મોદી આ તમામ ઘટનાઓની વર્ષગાંઠની ઉજવણીમાં સહભાગી બનશે. બાંગ્લાદેશના પ્રવાસ બાદ મોદી અન્ય દેશની પણ તબક્કાવાર મુલાકાત કરે તેવી અટકળો ચાલી રહી છે.