ન્યૂઝીલેન્ડનાં ઓકલેન્ડમાં ગુજરાતી યુવાનની ઘાતકી હત્યાના અહેવાલ સામે આવી રહ્યા છે. અત્યાર સુધી યુએસ તેમજ દ. આફ્રિકામાં લૂંટ કરીને જ ગુજરાતીઓની હત્યા થતી હોવાના અહેવાલો આવતાં રહેતા હતા પરંતુ હવે ન્યૂઝિલેન્ડમાં પણ ગુજરાતીઓ સલામત નથી. નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાનાં વોડલી ગામનાં એનઆરઆઈ યુવાન જનક પટેલની દુકાન લૂંટવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો જેને તેને બહાદુરીપૂર્વક પ્રતિકાર કર્યો હતો.
આ પ્રતિકારમાં જનક પટેલની હત્યા થઇ હતી. ઉલ્લેખનીય છે કે આઠ મહિના પહેલા જ પોતાની પત્ની સાથે ન્યુઝીલેન્ડમાં સ્થાયી થયો હતો અને હવે પત્ની સામે જ તેના પતિની ઘાતકી રીતે હત્યા કરી દેવામાં આવી છે. આ લૂંટારુઓ હત્યા કરીને ફરાર થઇ ગયા હોવાનું કહેવાય છે. આ ઘટના બાદ ન્યૂઝિલેન્ડમાં રહેતા ભારતીયોમાં ઘણો જ રોષ જોવા મળી રહ્યો છે.
જલાલપોર તાલુકાના મરોલી કાંઠા વિસ્તારના વડોલી ગામનો વતની અને એન.આર આઈ 36 વર્ષનાં યુવાન જનક કાળીદાસભાઈ પટેલના અઢી વર્ષ પહેલા જ લગ્ન થયા હતા. તેમની પત્ની વિજેતા પટેલ નીમલાઇ ગામની વતની છે. તેઓ આઠ મહિના પહેલા જ ન્યૂઝિલેન્ડનાં હેમિલ્ટન ખાતે ગયા હતા. આ બંને દુકાનમાં કામ કરતા હતા.
નવસારીના કાસ્બાપાર ગામના વતની ઓકલેન્ડ ખાતે રહેતા ધર્મેશભાઈ મગનભાઈ પટેલ લગ્ન પ્રસંગમાં હાજરી આપવા માટે 15 દિવસ માટે ન્યુઝીલેન્ડથી વતન આવ્યા હતા. જેથી ધર્મેશભાઈ મગનભાઈ પટેલ તેમની ઓકલેન્ડ ખાતે આવેલી દુકાન ચલાવવા માટે જનક પટેલને દુકાન સોંપી હતી.