રિલાયન્સ પાસેથી છ મહિનામાંજ દેશના સૌથી મોટા ઉદ્યોગ સમૂહનો દરજજો છીનવીને ટાટા જૂથ અવ્વલ રહ્યું છે. બહું ઓછા સમયમાં જ મુકેશ અંબાણીના રિલાયન્સના જૂથના માર્કેટ કેપમાં ઘટાડો થયો હોય, તે દેશના ઉદ્યોગજૂથમાં ત્રીજા સ્થાને પહોંચ્યું છે. મળતી વિગતો મુજબ TCS, તાતા મોટર્સ, તાતા સ્ટીલના શેરોમાં તેજી આવતા તેને મોટો લાભ થયો છે. જેની સામે દેશના અન્ય ઉદ્યોગોને શેરબજારમાં જોઈએ તેવો લાભ થયો નથી. 2020ના જુલાઈમાં જ રિલાયન્સ જૂથે તાતા જૂથને પછાડીને દેશના સૌથી મોટા કોર્પોરેટ હાઉસનો દરજ્જો મેળવ્યો હતો. જો કે, આ દરજ્જો રિલાયન્સ પાસે છ મહિના પણ ટક્યો નહીં.
2020ના જુલાઈ મહિનામાં તાતા જૂથની 17 લિસ્ટેડ કંપનીઓનું કુલ માર્કેટ કેપ 11.31 લાખ કરોડ રૂપિયા હતી. જ્યારે રિલાયન્સનું માર્કેટ કેપ તે સમયે રૂા.13 લાખ કરોડ નોંધાઈ હતી. જે પછી સપ્ટેમ્બર સુધી રિલાયન્સના શેરની કિંમત માર્કેટમાં વધતી રહી હતી. જયારે 16 સપ્ટેમ્બરે રિલાયન્સનું માર્કેટ કેપ રૂ. 16 લાખ કરોડ નોંધાયું હતુ. પરંતુ ત્યાર પછી રિલાયન્સની વિવિધ કુંપનીના શેરની કિંમત ઘટી હતી. અને તેનું માર્કેટ કેપ રૂ. 12.22 લાખ કરોડે નોંધાયું હતુ. જયારે હાલ છેલ્લાં 20 દિવસથી શેરબજારમાં તેજીના માહોલમાં મુકેશ અંબાણીના રિલાયન્સ જૂથના શેરની સરખામણીમાં તાતા જૂથની કંપનીઓના શેરની કિંમત પણ વધી છે. આ ઉપરાંત ફ્લેગશિપ કંપની ટીસીએસએ સારો દેખાવ કરતા તાતા જૂથ ફરી એકવાર સૌથી મોટું બિઝનેસ ફેમિલી બની ગયું છે.
શેરોમાં આવેલી તેજીથી એચડીએફસી જૂથને પણ ફાયદો થયો છે. જે આજે દેશનું સૌથી મોટું જૂથ તરીકે આગળ રહ્યું છે. જોકે, રિલાયન્સ હજુ પણ દેશની સૌથી મોટી કંપની છે. દરમિયાન ટીસીએસની સાથે તાતા જૂથની કંપનીઓ તાતા મોટર્સ અને તાતા સ્ટીલમાં આવેલી તેજીના કારણે આ જૂથનું કુલ માર્કેટકેપ રૂ. 16.69 લાખ કરોડને આંબી જતા તાતા જૂથની માર્કેટ કેપ
રિલાયન્સ જૂથથી 36% વધી ગઈ છે. આજે તાતા જૂથની માર્કેટ કેપ 16.69 લાખ કરોડ, HDFC જૂથ 14.98 લાખ કરોડ તથા રિલાયન્સ જૂથ 12.22 લાખ કરોડની કેપ ધરાવે છે. ટીસીએસએ કોરોના કાળમાં કરેલા સોદાથી પણ તેને ફાયદો થયો છે. તાતા મોટર્સના શેરની કિંમતમાં 2020ના જુલાઈ પછી 100% વઘારો નોંધાયો છે. જયારે સામે પક્ષે રિલાયન્સને ફેસબુક, ગૂગલ સુધીની કંપનીનું રોકાણ મળવાથી રિલાયન્સના શેર તો વધ્યા પણ કિંમતમાં ધીમે ધીમે વધારો થઈ રહ્યો છે. અરામકો ડીલથી ઉઠેલા વિવાદને કારણે પણ રોકાણકારોનો રસ તેમા ઘટ્યો હોવાનું મનાય છે.