12 દિવસ પહેલાં જ કેનેડાના અનેક વિસ્તારમાં હીટ ડોમની અસરે ગરમીનો પ્રકોપ વર્તાવ્યો હતો. આ સમયે અનેક જગ્યાએ ગરમીનો પારો 49 ડીગ્રીને આંબી જતાં લોકો મુસ્કેલીમાં મુકાયા હતા. કેનેડા બાદ હવે યુએઈમાં ગરમીનો પ્રકોપ નાગરિકોને સહન કરવાનો વારો આવી રહ્યો છે. આમ તો યુએઈની ગણતરી દુનિયાના ગરમીવાળા દેશોમાં થાય છે. પરંતુ આ વખતે સંયુકત અરબ અમીરાત (UAE)માં પણ ગરમી રેકોર્ડ તોડી રહી છે.
મંગળવારે તો અહીં ગરમીનો પારો 50 ડિગ્રી સેલ્સિયસને આંબી ગયો હતો. આ સાથે જ સમગ્ર યુએઈમાં કાળઝાળ ગરમીનો અહેસાસ લોકોને થયો હતો. અનેક સ્થળે તો લોકોને ગરમીમાં રીતસર શેકાવું પડ્યું હતુ. જયારે અનેક સ્થળે ગરમીમાંથી છૂટકારો મેળવવા ખાસ ટેકનોલોજીનો ઉપયોગ કરાયો હતો. બ્રિટનની યુનિવર્સિટી ઓફ રીડિંગની સાથે મળીને ડ્રોન ટેકનોલોજીની મદદથી અહીં કુત્રિમ વરસાદ પાડીને ગરમીમાંથી રાહત મેળવવા પ્રયાસો થયા હતા. યુએઈના હવામાન વિભાગે આ વરસાદના ફૂટેજ પણ શેર કર્યા હતા.
યુએઈ હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે UAE દુનિયાના 10 સૌથી ગરમ દેશોમાંથી એક છે. અહીં વર્ષમાં માત્ર ત્રણ ઇંચ સરેરાશ વરસાદ નોંધાતો હોય છે. આથી વરસાદનું પ્રમાણ વધારવા 1.5 કરોડ ડોલરનો પ્રોજેક્ટ અમલી બનાવવા કવાયત થઈ રહી છે. જેમાં Cloud seeding દ્વારા વરસાદની માત્રાને વધારાશે. આ ટેકનોલોજી દ્વારા વાદળોને ઇલેક્ટ્રિક શોક અપાય છે તેનાથી વરસાદ પડે છે. સંશોધકોનો દાવો છે કે, ટેકનોલોજીથી વરસાદની માત્રાને વધારી શકાશે. બીજી તફ બ્રિટનની યુનિવર્સિટી ઓફ રીડિંગના પ્રોફેસર માર્ટીન એબમોમે કહ્યું હતું કે UAEમાં વરસાદ માટે વાદળોની માત્રા પૂરતી છે. ડ્રોન ચાર્જ રિલીઝ કરીને પાણીની ટીપાંઓને એક સાથે ચિપકાવામાં મદદ કરે છે. જ્યારે આ ટીંપા મોટા અને ભારે થઇ જતા વરસાદમાં પરિવર્તિત થઈ જાય છે.