કર્ણાટકની એક અદાલતે આજે બુધવારે મલાલી મસ્જિદ વિવાદમાં પોતાનો ચુકાદો આપ્યો હતો. સ્થાનિક કોર્ટે હિન્દુ સંગઠનની અરજી સ્વીકારી લીધી છે. મસ્જિદના રિનોવેશન દરમિયાન મંદિરની રચના મળી આવતા વિવાદ થયો હતો. હિંદુ સંગઠનોએ ઉત્તર પ્રદેશમાં જ્ઞાનવાપી મસ્જિદની જેમ આ મસ્જિદના સર્વેની માંગ કરી હતી. મસ્જિદ સમિતિએ તેના જવાબમાં કહ્યું હતું કે મલાલી મસ્જિદ વક્ફની સંપત્તિ છે અને સિવિલ કોર્ટને આ મામલે દખલ કરવાનો કોઈ અધિકાર નથી.
કોર્ટે મુસ્લિમ પક્ષની આ દલીલ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે અને કહ્યું છે કે આ મામલાની વધુ સુનાવણી મેંગલુરુ સિવિલ કોર્ટ હેઠળ ચાલુ રહેશે. અગાઉ, કર્ણાટકની સ્થાનિક અદાલતે દક્ષિણ કન્નડ જિલ્લામાં મલાલી મસ્જિદ વિવાદ અંગેનો આદેશ 9 નવેમ્બર માટે અનામત રાખ્યો હતો.
આદેશ અનામત રાખ્યા પછી, મેંગલુરુની ત્રીજી એડિશન સિવિલ કોર્ટે મસ્જિદના પરિસરમાં યથાસ્થિતિ જાળવી રાખવાનો નિર્દેશ આપ્યો હતો. અરજદારોમાંથી એક, વિશ્વ હિન્દુ પરિષદ (VHP) એ મલાલી મસ્જિદમાં સર્વે કરવા માટે કોર્ટ કમિશનરની નિમણૂકની માંગ કરી છે. મલાલી મસ્જિદ મેનેજમેન્ટે કહ્યું હતું કે VHPની અરજીને ફગાવી દેવી જોઈએ. તેણે એમ પણ કહ્યું હતું કે કોર્ટ આ મામલાને લઈ શકે નહીં. કોર્ટે દલીલો અને પ્રતિ દલીલો નોંધી હતી. આ પહેલા 17 ઓક્ટોબરે ચુકાદો અનામત રાખવામાં આવ્યો હતો, જેને 9 નવેમ્બર સુધી મુલતવી રાખવામાં આવ્યો હતો. હિન્દુ સંગઠનો અને લઘુમતી સમુદાયો ચુકાદાની રાહ જોઈ રહ્યા હતા.