2019ની ચૂંટણીમાં બીજી વખત વિજય હાંસલ કર્યા બાદ મોદી સરકારે નાનું મંત્રીમંડળ રાખ્યું હતુ. જોકે, અઢી વર્ષ પછી કેબિનેટ વિસ્તરણ કરવાની નોબત આવી જે બાબત રાજકીય પંડીતો માટે ચર્ચાનો મુદ્દો બની છે. આ વખતે મોદી સરકારમાં યુવાનોને ખાસ મહત્વ અપાયું છે. ગત સોમવારે મોદી કેબિનેટમાં થયેલા ફેરફાર અને વિસ્તરણમાં 9 મંત્રીઓની હકાલપટ્ટી પણ થઈ હતી. મળતી વિગતો મુજબ કર્ણાટકના રાજ્યપાલ થાવરચંદ ગહેલોતના સ્થાને સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના મંત્રી વિરેન્દ્ર કુમારને CCPAમાં સ્થાન મળ્યું છે.એ જ રીતે નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાને રોકાણ અને વિકાસની કેબિનેટ સમિતિમાં સમાવાયા છે. રેલવે, આઇટી અને ટેલિકોમ મંત્રી અશ્વિની વૈષ્ણવ અને MSME મંત્રી નારાયણ રાણે પણ હવે આ સમિતિના સભ્ય બન્યા છે. રોજગાર અને કૌશલ્ય વિકાસ માટેની કેબિનેટ સમિતિમાં ભૂપેન્દ્ર યાદવ અને અશ્વિની વૈષ્ણવને સદસ્યતા અપાઈ છે.
જ્યારે JDUના સ્ટીલ મંત્રી આર.સી.પી. સિંહને ‘વિશેષ આમંત્રિત’ સભ્ય તરીકે પસંદ કરાયા છે. વધુમાં સંસ્કૃતિ અને પર્યટન મંત્રી જી. કિશન રેડ્ડી અને સ્મૃતિ ઈરાની તથા પ્રહલાદ પટેલને હવે પહેલાંની જેમ આ સમિતિમાં ‘વિશેષ આમંત્રિત’ સભ્ય તરીકે પસંદ કરાયા છે. મંત્રીમંડળની બહાર થયા બાદ રવિશંકર પ્રસાદ અને પ્રકાશ જાવડેકરને ઘણી કેબિનેટ સમિતિઓમાંથી પણ દૂર કરાયા છે. જ્યારે હર્ષવર્ધન અને સદાનંદ ગૌડા હજી પણ કેટલીક સમિતિઓમાં સભ્ય તરીકે ચાલુ છે. હવે નવા પર્યાવરણ અને શ્રમ મંત્રી ભપેન્દ્ર યાદવને રાજકીય મુદ્દાઓની તમામ મહત્વપૂર્ણ કેબિનેટ સમિતિમાં સમાવાયા છે. જયારે
પોર્ટ ખાતાના મંત્રી સર્વાનંદ સોનોવાલ, સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા અને ગ્રામીણ વિકાસ મંત્રી ગિરિરાજ સિંહને પણ આ જ સમિતિમાં સ્થાન અપાયું છે. આ તમામ નેતા એવા છે જેને CCPAમાં પહેલીવાર સામેલ કરાયા છે. યાદવ અને સોનોવાલની પહેલા જે નેતા આ વિભાગોમાં મંત્રી રહ્યા તેઓ પોત-પોતાના મંત્રાલયોમાં CCPAનો ભાગ નહોતા. મહિલા તેમજ બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાની પણ હવે આ સમિતિના સદસ્ય છે. જયારે આદિજાતિ બાબતોના મંત્રી અર્જુન મુંડા, કાયદા મંત્રી કિરેન રિજિજુ અને માહિતી અને પ્રસારણ અને રમત મંત્રી અનુરાગ ઠાકુરને પ્રથમ વખત સંસદીય બાબતોની કેબિનેટ સમિતિમાં સ્થાન મળ્યું છે. આ પહેલાં આ સમિતિમાં રિજિજુ, રવિશંકર પ્રસાદ અને ઠાકુર પ્રકાશ જાવડેકર હતા. જેઓને આ સમિતિમાંથી હાલ બહાર કઢાયા છે.