પંજાબના મુખ્યમંત્રી અમરિન્દરસિંહ સાથે સતત વિવાદમાં ઉતરતા નવજોત સિંહ સિદ્ધુએ આખરે આમ આદમી પાર્ટીમાં જવાના સંકેતો આપ્યા છે. સિદ્ધુએ કરેલી એક ટ્વીટમાં આમ આદમી પાર્ટીની પ્રશંસા કરીને લખ્યું હતુ કે આપએ મારા વિઝનને હંમેશાં ઓળખ્યું છે. તેઓ જાણે છે કે પંજાબ માટે કોણ લડી રહ્યું છે. આ સાથે જ સિદ્ધુએ પંજાબમાં રચાનારા નવા રાજકીય સમીકરણો તરફ ઈશારો કર્યો છે.
પંજાબ કોંગ્રેસનું સંકટ હાલ પણ યથાવત્ છે. પંજાબ કોંગ્રેસના નેતાઓ અંદર-અંદર લડી રહ્યા છે. CM કેપ્ટન અમરિંદર સિંહે કોંગ્રેસ-અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે મુલાકાત કરીને આ બાબતે ચર્ચા કરી છે. જો કે, હજુ સુધી તેનું કોઈ સમાધાન નીકળ્યું નથી. પંજાબમાં કોંગ્રેસ હવે કોઈ શીખ ચહેરાને મુખ્યમંત્રી બનાવવાના મુડમાં નથી. ત્યારે સિદ્ધુને કેમ્પેન કમિટીના ચેરમેન બનાવવાની ચર્ચા ચાલી રહી હતી. બીજી તરફ રાજકીય ગણતરી માંડતા કેજરીવાલે પાસુ ફેંક્યું છે. જેમાં તેમણે કહ્યું હતું કે, અમે જીત્યા તો શીખ જ CM થશે. ગત મહિને દિલ્હીના CM અને AAPના ચીફ અરવિંદ કેજરીવાલ પંજાબની મુલાકાતે ગયા હતા. અહીં તેમણે જાહેરાત કરી હતી કે પંજાબમાં જો AAPની જીત થઈ તો શીખ જ મુખ્યમંત્રી બનશે. આ દરમિયાન તેમણે સિદ્ધુની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું તેઓ કોંગ્રેસના વરિષ્ઠ નેતા છે, અમે તેમનું સન્માન કરીએ છીએ.
પંજાબમાં આગામી વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલા રાજકીય ગતિવિધિઓ વેગીલી બની છે. ખાસ કરીને કોંગ્રેસમાં કેપ્ટન અમરિન્દરસિંહ અને સિદ્ધુ વચ્ચેનો ખટરાગ ફરી બહાર આવી રહ્યો છે. દરમિયાન સિદ્ધુએ ટ્વિટ કરતા કહ્યું હતું કે પંજાબમાં વિપક્ષ પાર્ટી AAPએ હંમેશાં તેના વિઝન અને કામને ઓળખ્યું છે. 2017ના અસંસ્કારિતા, ડ્રગ્સ, ખેડૂત અને કરપ્શનના મુદ્દાઓ હોય કે પછી હાલનું રાજ્યનું વીજળી સંકટ હોય દરેક મુદ્દા આમ આદમી પાર્ટી પણ સમજે છે. સિદ્ધુએ એક જૂનો ન્યૂઝ વીડિયો દર્શાવ્યો હતો જેમાં તેમના રાજ્યસભામાંથી રાજીનામું આપ્યા પછી પંજાબમાં AAP તરફથી તેમના માટે માહોલ બનાવવાની વાત કહેવામાં આવી છે. વીડિયોમાં AAP નેતા સંજય સિંહ તેમની પ્રશંસા કરી રહ્યા છે. વીડિયોમાં AAPના પજાબ અધ્યક્ષ ભગવંત માને સિદ્ધુની પ્રશંસા કરી કહ્યું હતુ કે, કોઈપણ વ્યક્તિ ઓપન રોલ મોડલ ન હોઈ શકે. જો સિદ્ધુ પાર્ટીમાં આવે છે તો હું સૌથી પહેલી વ્યક્તિ હોઈશ, જે તેમનું સ્વાગત કરશે.