સમગ્ર ગુજરાતમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. ભાજપ અને કોંગ્રેસના અનેક દિગ્ગજ નેતાઓ તેની પકડમાં આવી ગયા છે. ભિલોડાના કોંગ્રેસના ધારાસભ્ય અનિલ જોશિયારા પણ કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. અનિલ જોશિયારાની તબિયત અચાનક બગડતાં તેમને અમદાવાદની સિમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યાં જોશિયારાને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે.
સિમ્સ હોસ્પિટલના ડોક્ટરોની દેખરેખ હેઠળ જોશિયારા છેલ્લા ત્રણ દિવસથી વેન્ટિલેટર પર હતા. ડોક્ટરોના જણાવ્યા અનુસાર અનિલ જોશિયારાને અગિયાર અઠવાડિયા સુધી ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં ભાજપ અને કોંગ્રેસના ઘણા ધારાસભ્યો કોરોના સંક્રમિત થયા છે.
ગતરોજ ધારીના ભાજપના ધારાસભ્ય જે.વી.કાકડિયાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેમને હોમ આઈસોલેટ કરવામાં આવ્યા હતા. અગાઉ કૃષિ મંત્રી રાઘવજી પટેલ, મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી, સાંસદ પૂનમ માડમ, સાંસદ ભરતસિંહ ડાભી, મંત્રી જીતુ ચૌધરી, ધારાસભ્ય અક્ષય પટેલ, શૈલેષ મહેતા, અજમલજી ઠાકોર ઉપરાંત કોંગ્રેસના ધારાસભ્ય હિંમતસિંહ પટેલ, વિક્રમ માડમ અને પ્રતાપ દુધાત પણ કોરોના સંક્રમિત થયા છે.