કોરોના હળવો થતાં ગુજરાત સરકારે ધો.9 થી 12 અને સાથે કોલેજોમાં ઓફલાઇન અભ્યાસક્રમ પહેલેથી જ શરૂ કરી દીધો છે. હવે ધો.6થી 8ના વર્ગો શરૂ કરવા માટે પણ સરકાર કરી રહી છે. જો કે હાલ તહેવારો ચાલી રહ્યા હોવાથી જન્માષ્ટમી બાદ ધો.6થી 8ના વર્ગો શરૂ થાય તે અંગે સરકારમાં વિચારણા ચાલી રહી છે. સૂત્રો દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે આ મામલે મુખ્યમંત્રી સાથે શિક્ષણમંત્રી અને અધિકારીઓની બેઠક પણ મળી છે. આજે યોજાનારી કેબિનેટની બેઠકમાં આ અંગે નિર્ણય લેવાઈ શકે છે.
ગુજરાતમાં કોરોના કાબૂમાં આવી ગયો છે અને નવા કેસો નહિવત નોંધાઇ રહ્યા છે એવામાં શિક્ષણ પ્રવૃત્તિ પણ ધીરે ધીરે શરૂ કરવામાં આવી રહી છે. કોલેજો, યુનિવર્સિટી, ધોરણ 9થી 12ના ઓફલાઇન વર્ગો સરકારે પહેલેથી જ શરૂ કરવા પરવાનગી આપી દીધી છે. સરકાર હવે પ્રાથમિક વિભાગમાં ધો. 6થી 8ના વર્ગો શરૂ કરવા સરકાર આગળ વધી રહી છે. ચાલુ અઠવાડિયામાં જ રાજ્ય સરકાર આ અંગે કોઈ નિર્ણય જાહેર કરે એવી શક્યતા છે, જેમાં જન્માષ્ટમીના તહેવારો બાદ સપ્ટેમ્બરના આરંભથી પ્રાથમિક શાળાઓમાં ઓફલાઇન વર્ગો શરૂ થવાના સંકેતો શિક્ષણ વિભાગનાં સૂત્રોએ આપ્યા છે.