કર્ણાટકના રાજકારણમાં છેલ્લાં બે મહિનાથી ચાલતી અટકળોનો અંત બીએસ યેદિયુરપ્પાના રાજીનામા સાથે આવી ગયો છે. હવે સીએમ પદની ખાલી પડેલી ખુરશી માટે ભાજપે કર્ણાટકના જ બસવરાજ બોમ્મઇની પસંદગી કરી છે. બોમ્મઇ યેદિયુરપ્પા સરકારમાં ગૃહ પ્રધાન તરીકે કામગીરી કરી રહ્યા હતા. ગૃહ પ્રધાનની સાથે-સાથે બોમ્મઇ કર્ણાટક સરકારમાં સંસદીય કાર્ય પ્રધાન અને કાયદા પ્રધાન પણ છે. તે લિંગાયત સમુદાયમાંથી આવે છે. કર્ણાટકના રાજકારણમાં જાતિના સમીકરણો મહત્વના રહ્યા છે. જેમાં લિંગાયત સમુદાય તો વિશેષ મહત્વ ધરાવે છે. તેથી જ ભાજપ આ સમુદાયમાંથી કોઈને પણ મુખ્યમંત્રી બનાવવા માંગતુ હતુ. યેદિયુરપ્પાનાં રાજીનામા બાદ સીએમ પદના દાવેદારોમાં લિંગાયત સમુદાયમાંથી આવતા મુરગેશ નિરનઈ તથા બોમ્મઇ ઉપરાંત સીએમ પદ માટે બ્રાહ્મણ સમુદાયમાંથી આવતા સંસદીય બાબતોના પ્રધાન પ્રહલાદ જોશી, વિશ્વેશ્વરા હેગડે કગેરીના નામની પણ ચર્ચા થઈ હતી. જો કે, આખરે ભારતીય જનતા પાર્ટીનાં વિધાનસભા દળની બેઠકમાં બોમ્મઈના નામ પર મહોર લાગી ચુકી છે. બીજી તરફ ચાલતી ચર્ચા પ્રમાણે યેદિયુરપ્પા પોતે જ લિંગાયત સમુદાયમાંથી આવે છે. આ સમાજના સૌથી મોટા મઠનું તેમને સમર્થન પ્રાપ્ત હતું. તેથી આ વખતે યેદિયુરપ્પા કોઇ અન્ય સમુદાયને મુખ્ય પ્રધાન બનાવવા માંગતા હતા. ભાજપ મોવડીઓ સમક્ષ તેમણે આ વાત રજૂ કરી હતી. પરંતુ ભાજપે લિંગાયત સમુદાયમાંથી સીએમની પસંદગી કરવાનો નિર્ણય કર્યો છે. સુત્રોના જણાવ્યા અનુસાર યેદિયુરપ્પાના પુત્ર વાયબી વિજયેન્દ્રને ભાજપના પ્રદેશ પ્રમુખ બનાવાય તેવી હિલચાલ ચાલી રહી છે.