કેન્દ્ર સરકારના કૃષિ કાયદા સામે ઉઠેલો વિરોધ વંટોળ 6 મહિના પછી પણ યથાવત છે. દિલ્હીની બોર્ડર પર અડીંગો જમાવીને બેઠેલા હજારો ખેડૂતો કૃષિ કાયદા પરત લેવાની માંગ પર મક્કમ છે. ત્યાં બીજી બાજુ દેશભરમાં સરકાર સામે આ મુદ્દે નારાજગી વધવા માંડી છે. શનિવારે બપોરે ગુજરાતના બેચરાજીમાં પણ ખેડૂત સંગઠનોની બેઠક યોજીને કૃષિ કાયદાનો વિરોધ કરવામાં આવ્યો હતો. બહુચરાજીના મેરા ગામે ખેડૂત સંગઠનોના ૧૫૦ આગેવાનો એકત્ર થયા હતા. જે બાદ તેઓ વચ્ચે ચર્ચા થઈ હતી. જેમાં જણાવાયું હતુ કે, હોળીના દિવસે ગુજરાતના ગામડાંઓમાં કેન્દ્ર સરકારના ત્રણ કૃષિ કાયદાની થાળી વગાડીને વિરોધ કરાયા બાદ બિલની હોળી કરાશે. કિસાન સંઘર્ષ મંચના નેજા હેઠળ આ આંદોલનના કાર્યક્રમો યોજાશે. આ આંદોલનમાં કોઈ નેતાને સામેલ કરાશે નહીં. પરંતુ ગુજરાતના જે ગામોમાં ખેડૂતો બિલની હોળી કરશે તે બધા જ અમારા આંદોલનના નેતા હશે. ખેડૂતોએ આક્ષેપ કર્યો હતો કે, અગાઉ પણ વિરોધ પ્રદર્શનના કાર્યક્રમો યોજ્યા હતા, પરંતુ ભાજપ સરકારના ઈશારે પોલીસે ખેડૂત આગેવાનોને નજરકેદ કરી પજવવાનું કામ કર્યું હતું. સંગઠનાના આગેવાનોના મતે મોદી સરકારના આ નવા કૃષિ કાયદાથી ખેતી અને ખેડૂતો બરબાદ થઈ જશે. માત્ર ઉદ્યોગપતિઓના ફાયદા માટે જ સરકારે આ કાયદા બનાવ્યા છે. વળી, આંદોલન કરવાના તેમના અધિકારો પર પણ સરકાર તરાપ મારી રહી છે. દિલ્હીમાં ખેડૂતો દ્વારા ચાલી રહેલા કૃષિ કાયદા સામેના આંદોલનને અમારુ સમર્થન છે. જેના ભાગરુપે હોળીના દિવસે ત્રણ કાયદાની હોળી કરવાનો નિર્ણય કર્યો છે. આ દિવસે હોળીમાં કાયદાની નકલો સળગાવીને સરકારના નવા કાયદાનો વિરોધ કરવામાં આવશે. ગુજરાતના દરેક ગામડાંઓમાં આ કાર્યક્રમ યોજાશે તેવું પણ આ સંગઠને જણાવ્યું હતુ.