અમદાવાદની કીડની હોસ્પિટલને માતબર 100 કરોડ રૂપિયાનું દાન મળ્યું છે. આ દાનની જાહેરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી તેમજ આરોગ્યમંત્રી નીતિન પટેલે વિશ્વ અંગદાનના દિવસે ગુજરાત મીડિયા ક્લબ દ્વારા યોજાયેલા એક કાર્યક્રમમાં કરી હતી. આ પ્રસંગે જાહેરાત કરતા નીતિન પટેલે કહ્યું કે અમદાવાદ સિવિલની કીડની હોસ્પિટલમાં એક દર્દીને સારી સારવાર મળતા તેના પરિવારે અમદાવાદની કીડની હોસ્પિટલને રૂપિયા 100 કરોડનું દાન આપવાની જાહેરાત કરી છે. જો કે હોસ્પિટલ કે સરકાર દ્વારા આ દાનની રકમ કોને આપી છે તે અંગે કોઇ માહિતી આપવામાં આવી નથી કારણ કે પરિવાર તેમજ દર્દીની ઈચ્છાને કારણે આ નામ ગુપ્ત રાખવામાં આવ્યું છે.
13 ઓગસ્ટને વિશ્વ અંગદાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે ગુજરાત મીડિયા ક્લબ દ્વારા અંગદાન અભિયાન અંતર્ગત અંગદાન મહાદાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રાજ્યના બંને મોટા નેતા મુખ્યપ્રધાન વિજય રૂપાણી તેમજ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે વિશેષ હાજરી આપી હતી. આ પ્રસંગે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કહ્યું હતું કે ગુજરાત મીડિયા કલબની આ પહેલ પ્રશંસનીય છે.
આ પ્રસંગે બોલતા નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કહ્યું હતું કે અંગદાનને પ્રોત્સાહન મળે તે દિશામાં અમારી સરકાર કાર્યરત છે, અંગદાન માટે વિવિધ યોજનાઓ બનાવવામાં આવી છે,જેનો લાભ ગુજરાત અને ભારતના લાભાર્થીઓને ગુજરાતની વિવિધ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલમાંથી મળી રહ્યો છે. આ સાથે જ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કહ્યું કે પહેલા કિડનીના દર્દીઓને ડાયાલીસીસ માટે 1500-2500 ચૂકવવા પડતા હતા, હવે ગુજરાતની 54 હોસ્પિટલમાં ડાયાલીસીસ વિના મૂલ્યે થાય છે, અત્યાર સુધીમાં 14.50 લાખ ડાયાલીસીસ વિનામૂલ્યે સરકારી હોસ્પિટલમાં કરવામાં આવ્યા છે.