જુલાઈ 2008માં અમદાવાદમાં થયેલા શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટના કેસમાં સ્પેશિયલ કોર્ટે ગુનેગારોને સજાની જાહેરાત કરી હતી. કોર્ટે 49માંથી 38 દોષિતોને ફાંસીની સજા સંભળાવી છે, જ્યારે 11 દોષિતોને તેમના અંતિમ શ્વાસ સુધી કેદમાં રહેવાની સજા ફટકારવામાં આવી છે. દોષિતોને વર્ચ્યુઅલ રીતે રજૂ કરવામાં આવ્યા હતા અને જ્યારે કોર્ટે તેમને મૃત્યુદંડની સજા સંભળાવી ત્યારે દોષિતો જુદી જુદી જેલમાં બેઠા હતા.
કોર્ટે દોષિતોને સજા કરવા ઉપરાંત પીડિતોને વળતર આપવાનો આદેશ પણ આપ્યો છે. કોર્ટે આ વિસ્ફોટોમાં માર્યા ગયેલા લોકોના પરિવારજનોને 1 લાખ રૂપિયાનું વળતર આપવાનો આદેશ આપ્યો છે. આ સાથે ગંભીર રીતે ઘાયલ લોકોને 50 હજાર અને સગીર ઘાયલોને 25 હજાર રૂપિયા આપવાનું કહેવામાં આવ્યું છે. 8 ફેબ્રુઆરીએ વિશેષ અદાલતે તમામને દોષિત ઠેરવ્યા હતા. જ્યારે 28 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતા. આ મામલામાં સ્પેશિયલ કોર્ટમાં 13 વર્ષથી સુનાવણી ચાલી રહી હતી.
અમદાવાદ સિરિયલ બ્લાસ્ટમાં 78 આરોપીઓ હતા. બાદમાં એક આરોપી સરકારી સાક્ષી બન્યો હતો. જેના કારણે કુલ 77 આરોપી બનાવવામાં આવ્યા હતા. 13 વર્ષના લાંબા ટ્રાયલ દરમિયાન 1,163 સાક્ષીઓના નિવેદનો નોંધવામાં આવ્યા હતા. પોલીસ અને કાયદાકીય એજન્સીઓએ 6 હજારથી વધુ પુરાવા રજૂ કર્યા હતા. 6,752 પાનાના ચુકાદામાં અમદાવાદની સ્પેશિયલ કોર્ટના જજ અંબાલાલ પટેલે 49 આરોપીઓને દોષિત ઠેરવ્યા હતા, જ્યારે પુરાવાના અભાવે 28ને નિર્દોષ જાહેર કર્યા હતા. આ પહેલીવાર છે જ્યારે એક સાથે 49 આરોપીઓને આતંકવાદના આરોપમાં દોષી ઠેરવવામાં આવ્યા છે. દોષિતોને IPC કલમ 302 (હત્યા) અને UAPA હેઠળ દોષિત ઠેરવવામાં આવ્યા છે.
26 જુલાઈ 2008ના રોજ અમદાવાદમાં સાંજે 6.45 કલાકે પ્રથમ બોમ્બ વિસ્ફોટ થયો હતો. બ્લાસ્ટ મણિનગરમાં થયો હતો. મણિનગર એ તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીનો મતવિસ્તાર હતો. આ પછી 70 મિનિટ સુધી 20 વધુ બોમ્બ બ્લાસ્ટ થયા. આ વિસ્ફોટોમાં 56 લોકોના મોત થયા હતા અને 200થી વધુ લોકો ઘાયલ થયા હતા. 2002માં ગોધરાકાંડનો બદલો લેવા ઈન્ડિયન મુજાહિદ્દીન દ્વારા આ બોમ્બ વિસ્ફોટો કરવામાં આવ્યા હતા.