અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં રમાયેલી ટેસ્ટ મેચમાં ટીમ ઇન્ડિયાના વિજયથી ભારતીય ક્રિકેટપ્રેમીઓ ખુશખુશાલ થઈ ગયા છે. આ મેચમાં ટીમ ઈન્ડિયાએ ઇંગ્લેન્ડને 10 વિકેટે પછડાટ આપી હતી. ભારતના આ વિજય બાદ હવે પીચ વિશે ચર્ચા ચાલી રહી છે. જેનું સૌથી મોટું કારણ એ છે કે, આ ટેસ્ટ મેચ ફક્ત 2 દિવસમાં જ પુરી થઈ ગઈ છે. આ રમત દરમિયાન ટેસ્ટ મેચના બીજા દિવસે 17 વિકેટ ખેરવાઈ હતી. જેને કારણે ઇંગ્લેન્ડના ખેલાડીઓએ પણ પિચ અંગે સવાલો ઉઠાવ્યા છે. આ સાથે જ ભારતના પૂર્વ ક્રિકેટર યુવરાજ સિંહે અમદાવાદ ટેસ્ટ મેચ જે મેદાન પર રમાય છે તેની પિચ વિશે સવાલો ઉઠાવ્યા છે. યુવરાજ સિંહે ટ્વિટ કરતા લખ્યું છે કે ફક્ત બે દિવસમાં જ રમત પુરી થઈ ગઈ છે. મેચમાં બીજા દિવસે તો 17 વિકેટ પડી ગઈ હતી. તેથી આ પીચ ટેસ્ટ મેચને લાયક છે કે નહીં તે અંગે સંશય છે. જો કુંબલે અને હરભજન સિંહ આ રમતમાં સામેલ હોત તો તેમણે અનેક વિકેટો ઝડભેર ખેરવી લીધી હોત.
જો કે, યુવરાજસિંહે આ ટેસ્ટ મેચમાં ભારતની જીત થઈ હોવાથી ટીમને અભિનંદન પાઠવ્યા છે. સાથે જ અક્ષય પટેલ, અશ્વિન અને ઇશાંત શર્માને અભિનંદન આપ્યા છે. જો કે, કેપ્ટન વિરાટ કોહલીએ કહ્યું હતુ કે પિચમાં કોઈ ખરાબી ન હતી. પરંતુ બંને ટીમોના બેટ્સમેનોએ ખરાબ બેટિંગ કરી હતી. પીચ અંગે સવાલો ઉઠાવવામાં યુવરાજ સિંહ જ નહીં પરંતુ કોમેન્ટ્રીટર હરભજન સિંહ અને વીવીએસ લક્ષ્મણ પણ સામેલ છે. હરભજન સિંહે કહ્યું કે આમ તો પિચ બંને ટીમો માટે બરાબર હતી પણ બે દિવસમાં ટેસ્ટ ખતમ થવી યોગ્ય નથી. લક્ષ્મણે કહ્યું હતુ કે આ મેચને ટેસ્ટ ક્રિકેટ ગણવી કે કેમ તે કહેવું મુશ્કેલ છે. નવા બોલથી સ્પિનર્સે ઘણી ઓછી બોલિંગ કરી છે. ભારતમાં ટેસ્ટ ક્રિકેટ માટે પિચનો ઉપરી ભાગ સખત હોવો જોઈએ અને ત્રીજા દિવસે બોલ ટર્ન થવો જોઈએ. જોકે આ પિચ પર જે ટેકનિક જોઇતી હતી તે પણ બેટ્સમેનો બતાવી શક્યા નથી.