યંગસ્ટર્સમાં આજકાલ સોશિયલ મીડિયાનું વળગણ ભારે છે. જો કે, તેના લાભ-ગેરલાભ બંને છે. સોશિયલ મીડિયામાં સૌથી વધુ યુવતીઓ રચીપચી રહે છે અને ભોગ બનનારાઓમાં તેની સંખ્યા પણ વધુ રહેતી હોય છે. અમદાવાદની એક પરિણીતાએ દિલ્હીમાં કરેલી હરકતે સૌને ચોંકાવી દીધા હતા. અમદાવાદના એક પરિવારમાં પતિ દિલ્હી કામ માટે રહેતો હતો. જયારે પરિણીતા ઘરે એકલી હોવાથી સોશિયલ મીડિયામાં રચીપચી રહેતી હતી. અમદાવાદના મોટેરા વિસ્તારમાં રહેતી પરિણીતા કે જેનો પતિ દિલ્હી નોઈડામાં રહીને ખાનગી કંપનીમાં 9 વર્ષથી કામ કરે છે. પતિ દિલ્હીમાં રહેતો હોવાથી અમદાવાદના મોટેરામાં રહેતી પરિણીતા તેના પતિને મળવા નોઈડા જતી આવતી રહે છે.
ગત તા. 2 જાન્યુઆરીના રોજ મહિલા પતિને મળવા નોઈડા ગઈ હતી. આ દરમિયાન દિલ્હીમાં તેના પતિના ઘરની બાલ્કનીમાંથી તેણે એક દ્રશ્ય નિહાળ્યું હતુ. જેમાં એક પડોશણ તેના બોયફ્રેન્ડ સાથે અભદ્ર હરકતો કરી રહી હોવાનું જોઈને અમદાવાદની પરિણીતાએ આખુ દ્રશ્ય મોબાઈલમાં કેદ કરી નાંખ્યું હતુ. જે બાદ પરિણીતાએ પતિને વાત કરી હતી. જો કે, પતિએ આ બધી બાબતોને અવગણીને પોતાનું કામ જ કર તેવી સલાહ આપી હતી. ત્યારબાદ તા.20 ફેબ્રુઆરીએ મહિલા અમદાવાદ પરત આવી ગઈ હતી. ત્યારબાદ અચાનક પતિને જાણવા મળ્યું હતું કે ઈન્સ્ટાગ્રામ આઈડી પર પોતાની પત્નીનો મોબાઈલ નંબર મુકી દેવાયો છે.
સોશિયલ મીડિયા એપ ઈન્સ્ટાગ્રામ પર પત્નીનો મોબાઈલ નંબર સાથે કોમેન્ટમાં 40 રૂપિયા પ્રતિ કલાક એવો ભાવ લખવામાં આવ્યાં હતાં. આ પ્રકારે બદનામી કરવામાં આવતાં મહિલાના નંબર પર અજાણ્યા શખ્સોના ફોન આવવા માંડયા હતા. આખરે, મહિલાએ સાયબર ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી છે. આ ઘટનામાં પતિના પડોશણ સાથે સંકળાયેલાનું કૃત્ય હોવાની આશંકા છે. અમદાવા સાયબર ક્રાઈમ બ્રાન્ચના જણાવ્યા પ્રમાણે નોઈડાના શખસની સંડોવણીની દીશામાં તપાસ થઈ રહી છે. ઘટના બાદ વિસ્તારમાં હોબાળો મચી ગયો હતો. અને મામલો સાઈબર ક્રાઈમ બ્રાંચ સુધી પહોંચી ગયો હતો.