ગુજરાતમાં 2022માં વિધાનસભાની ચૂંટણી પહેલા સરકાર ફરીવાર પોતે વિકાસકામોને વરેલી હોવાના દેખાડા કરવાની મથામણ કરવા માંડી છે. ચૂંટણી સમયે જ્ઞાતિવાદ, ધર્મ અને પ્રાંત સહિતના મુદ્દાઓને ઉછાળતા રાજકીય પક્ષોને હવે વિકાસ નામના શબ્દની જરુર પણ પડવા માંડી છે. ભાજપે આ વખતે ફરી ગુજરાતીઓને રીઝવવા પ્રયાસો શરૃ કર્યા છે. રુપાણી સરકારે તેના પાંચ વર્ષનું શાસન પુરુ થતાં જ ઉજવણી કરવાનો નિર્ણય કર્યો છે. આ સાથે જ ભાજપે 41 દિવસમાં 10,400 કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ, મંજૂરી, ખાત મુહૂર્ત કરી નાંખ્યા છે. શનિવારે વડાપ્રધાન મોદીએ 25 મિનિટનું ભાષણ આપીને 1200 કરોડના 5 વિકાસકાર્યોનું લોકાર્પણ કર્યું હતુ.
જો કે, અમદાવાદના આ બે પ્રકલ્પોની મુલાકાત સામાન્ય જનતા માટે વધુ ખર્ચાળ બને તેમ છે. જેવી રીતે સી-પ્લેનથી સામન્ય માણસ વંચિત રહ્યા હતા. સાયન્સસિટીમાં મુલાકાતીઓને 3100ની આસપારનો ખર્ચ થઈ શકે છે. અમદાવાદના સાયન્સસિટી ખાતે 260 કરોડના ખર્ચે નિર્માણ પામેલી એકવેરિયમ ગેલેરી અને 127 કરોડના ખર્ચે બનેલી રોબોટિક ગેલેરીનું લોકાર્પણ કરાયુ હતુ. હવે કોવિડની ગાઈડલાઈન મુજબ આ ગેલેરીની મુલાકાતનો લહાવો રાજ્યની જનતા લઈ શકશે. અમદાવાદમાં ભારતનું સૌથી મોટું એકવેરિયમ સોમવારથી ખુલ્લુ મૂકવામાં આવશે. સાયન્સસિટી ખાતે 127 કરોડ રૂપિયાના ખર્ચે 11,512 હજાર સ્કેવર મીટર વિસ્તારમાં અત્યાધુનિક રોબોટિક ગેલરી બનાવાઈ છે. જેમાં 79 પ્રકારના 200થી વધુ રોબોટ છે.
પ્રવેશદ્વાર પર વિશાળ ટ્રાન્સફોર્મરથી રોબોટની પ્રતિકૃતિ મુકવામાં આવી છે. જ્યારે મુલાકાતીઓ રિસેપ્શન પર પહોંચે તો ત્યાં પણ ખાસ રોબર્ટ મુકાયા છે. અહીં એક રેસ્ટોરન્ટ પણ તૈયાર કરાયું છે. જેમાં બધા ઓર્ડર રોબોટ જ લેશે અને રોબર્ટ દ્વારા જ ફૂડ સર્વ કરવાનું આયોજન છે. રોબટ ગેલેરીની મુલાકાત દરમિયાન મુલાકાતીઓ સાથે રોબર્ટ જ વાતચીત કરશે. સાયન્સસિટીમાં બનાવેલા એકવેટિક ગેલેરીમાં અલગ- અલગ 68 ટેન્કમાં શાર્ક સહિતની ઘણી પ્રજાતિઓની માછલી મુકવામાં આવી છે. જેમાં 188 પ્રકારની 11,600થી પણ વધારે માછલીઓને જોવાની તક મળી શકશે. અહીં દેશ વિદેશની માછલીઓમાં સેડલ્ડ સી બ્રિમ, સેલેમા પોઝી, ગોલ્ડ બ્લોચ ગ્રુપર, મુન જેલીફિશ, કોમન કટલ ફિશ, સેન્ડબાર્ક સાર્ક, સેલ્ફીન ટેંગ, કન્ચીફ્ટ ટેંગ, પાઉડર બ્લ્યુ ટેંગ, ગ્રે રીફ શાર્ક, ઝીબ્રા શાર્કને જોઈ શકાશે. આ ગેલેરીમાં 28 મીટરની અંડરવોટર વોક વે ટનલ બનાવાઈ છે. આ ટનલમાં મુલાકાતીઓને પ્રવેશ આપવામાં આવશે જેથી તેઓને દરિયાની અંદર ફરી રહ્યા હોય તેવો આભાસ થશે. આ ઉપરાંત અહીં 5-ડી થિયેટર પણ બનાવાયું છે.
હવે સૌથી મહત્વની બાબત એ છે કે આ બે ગેલેરીની મુલાકાત સામાન્ય જનતાને પોષાય તેમ નથી. કારણ કે, તેમાં એન્ટ્રી ફી 50 રૂ, એક્વાટિક ગેલેરી 200 રૂ, 5D થિયેટરમાં 150 રૂ, રોબોટિક ગેલેરીમાં 250 રૂ તથા થ્રીડી સ્કેનર-પ્રિન્ટરમાં 500 આપવાના છે. આ ઉપરાંત રોબો પેઈન્ટરમાં 200 રૂ, વીઆર કારમાં 200 રૂ, એઆર હોકી 50, વીઆર સિનેમા 200, વીઆર જુરાસિક વર્લ્ડ ગેમના 200, એઆર શોના 200 રૂ, વીઆર મેડિકલ એપ 200 રૂ, વીઆર એજ્યુકેશન એપ 200 રૂ, વીઆર વોક થ્રૂ ગેમ 200 રૂ, વીઆર શૂટિંગ ગેમ 200 રૂ, થ્રીલ રાઈડ્સ 30 રૂ, મિશન ટુ માર્સ રાઈડ 40 આપવા પડશે. આમ આ બે પ્રકલ્પની એક વ્યક્તિની મુલાકાતનો ખર્ચ 3,070 રૃપિયા થશે. જે સામન્ય માણસને પોસાય શકે એમ નથી.