જેરૂસલેમમાં 10 મેથી શરૂ થયેલી અથડામણને કારણે 50થી વધુ લોકોએ જીવ ગુમાવી દીધો છે. ગાજા પટ્ટી ઉપર હમાસ સતત ઇઝરાઇલ ઉપર હુમલો કરી રહ્યુ છે, જેનો જવાબ આપતા ઇઝરાઇલે પણ હવાઈ હુમલા શરુ કરી દીધા છે. ઇઝરાઇલે હવે ગાઝામાં સૈન્ય અને ટેંકનો ખડકલો કરી દીધો છે. ગ્રાઉન્ડ એક્શન માટે તૈયારીઓ પણ ચાલી રહી છે. પેલેસ્ટાઈનો ઉપર ઇઝરાઇલના હુમલા સામે મુસ્લિમ દેશોને એક કરવા માટે તુર્કી અને પાકિસ્તાન સૌથી વધુ સક્રિય છે. મુસ્લિમ દેશો આ મુદ્દે એકજૂથ થવા સક્રિય થયા છે. મુસ્લિમ દેશોના સંગઠન ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કોર્પોરેશને 16 મેના રોજ ઇઝરાયલ-પેલેસ્ટાઇન સંઘર્ષ ઉપર ઇસ્લામિક દેશોના વિદેશ પ્રધાનોની તાકીદની બેઠક બોલાવી છે. ઓઆઈસીએ ટ્વિટ કર્યું છે કે, સાઉદી અરબની વિનંતી બાદ વિદેશ પ્રધાન સ્તરના સંગઠનની કારોબારી સમિતિના સભ્યોની બેઠક 16 મેના રોજ યોજવાની જાહેરાત કરી છે. બેઠકમાં જેરૂસલેમની અલ-અક્સા મસ્જિદમાં થયેલી હિંસા અને પેલેસ્ટિનિયન ક્ષેત્રમાં ઇઝરાઇલની આક્રમકતા, ખાસ કરીને અલ-કુદસ અલ-શરીફમાં હિંસા અંગે ચર્ચા કરી આગામી દિવસોમાં કેવા પગલા ભરવા તે વિશે નિર્ણય કરાશે. ઓઆઈસીએ પેલેસ્ટાઈનો સામે ઇઝરાઇલની કાર્યવાહીની નિંદા કરીને પેલેસ્ટાઈનો સામે ઇઝરાઇલી કાર્યવાહીની કડક નિંદા કરી છે. પૂર્વી યરૂશાલેમમાં પેલેસ્ટાઇનીઓને હાંકી કાઢવાની ઇઝરાઇલની કાર્યવાહીનો સાઉદી અરબે વિરોધ કરતા ઇઝરાઇલે નિર્દોષ પેલેસ્ટાઈનોના જીવ લેવાનું બંધ કરવું જોઈએ તેવી માંગ કરી છે. બીજી તરફ તુર્કીએ સ્પષ્ટ રીતે ઈઝરાયલનો વિરોધ કર્યો છે. તેણે કહ્યું છે કે, મુસ્લિમ દેશોએ ગાઝામાં ઇઝરાઇલ વિરુદ્ધ હમાસના અભિયાન અંગે એકતા અને સ્પષ્ટ વલણ બતાવવું પડશે. મુસ્લિમ દેશો હાલની સ્થિતિમાં ઇઝરાઇલ સામે એકજૂથ થાય તે આવશ્યક છે. સંયુક્ત રાષ્ટ્રમાં વારંવાર નિર્ણયો લેવામાં આવે છે, નિંદા થાય છે. પરંતુ કમનસીબે પરિણામ મળ્યું નથી. તુર્કીના ઉપરાષ્ટ્રપતિ ફુઆત ઓક્તેએ ગુરુવારે વિશ્વના ઇસ્લામી દેશોને ઇઝરાઇલની વિરુદ્ધનું વલણ અપનાવવા અને હમાસની પડખે રહેવા અપીલ કરી હતી. તેમણે કહ્યું કે, બધા દેશો ફક્ત તેમની સખત નિંદા કરી રહ્યા છે અને કોઈ કડક પગલા ભરતા નથી. આપણે જે જોઈએ છીએ તે હિંસાને રોકવા માટે નક્કર પગલાં ભરવાની આવશ્યકતા છે. ફુઆત ઓકતે વધુમાં કહ્યું હતું કે, ઇઝરાઇલ વિરુદ્ધ કાર્યવાહી કરવાની જવાબદારી મુસ્લિમોએ લેવાની છે. પેલેસ્ટાઈનોને ત્રાસ આપનારાઓ સામે મુસ્લિમ દેશો એક થઈ રહ્યા નથી તે દુખદ બાબત છે.