વડોદરા કરજણમાં ચકચારી સ્વીટી પટેલ મર્ડર કેસમાં પૂર્વ પીઆઇ અજય દેસાઇ અને સાગરીત કોંગી અગ્રણી મિત્ર કિરીટસિંહ જાડેજાની રવિવારે ધરપકડ કરાઈ હતી. જે બાદ તેઓને આજે કરજણ કોર્ટમાં રજૂ કરાયા હતા. આ સમયે સ્વીટી ગર્ભવતી હોવાથી અજયે તેનું મર્ડર કર્યું હોવાની શંકા વ્યક્ત થતાં કોર્ટે તપાસ માટે બંને આરોપીના 11 દિવસના રિમાન્ડને મંજૂરી આપી હતી.
બે મહિનાથી વડોદરા સહિત સમગ્ર ગુજરાતમાં સ્વીટી પટેલ ગૂમ થવાનું પ્રકરણ ચકચારી બન્યું છે. પાંચ દિવસ પહેલાં જ આ કેસના મુખ્ય શંકાસ્પદ આરોપી અને સ્વીટીના પતિ અજય દેસાઈએ પોતાના ગુનાની કબૂલાત કરી લેતા રહસ્ય પરથી પરદો ઉંચકાયો હતો.
જે બાદ આ કેસમાં તપાસ કરી રહેલી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે કરજણ સ્થિત સ્વીટીના ઘરના બાથરુમમાંથી બ્લડના શંકાસ્પદ સેમ્પલ શોધી કાઢ્યા હતા. આખરે પોલીસે અજયની કડકથી પુછપરછ કરતાં તેણે પોતે ગળુ દબાવી સ્વીટીને મોતને ઘાટ ઉતારી હોવાનું અને તે પછી તેના મિત્રની મદદથી લાશ સળગાવી દીધી હોવાનું કબૂલ્યું હતુ. અજયને શંકા હતી કે, સ્વીટીને કોઈ પરિણીત વ્યક્તિ સાથે શારીરિક સંબંધ છે. તેથી તેને ત્રણ-ચાર મહિનાનો ગર્ભ છે. જેથી અજયે પરિવારના લોકો નિકાલ કરવા માંગતા હોવાનું જણાવી કિરીટની મદદ માંગી હતી. આ કેસમાં પોલીસે પૂર્વ PI અજય દેસાઇ અને કોંગી અગ્રણી કિરીટસિંહ જાડેજાને કોર્ટમાં રજૂ કરી 14 દિવસના રિમાન્ડની માંગ્યા હતા. જો કે, કોર્ટે આરોપીઓના 11 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. આ સમયે મૃતક સ્વીટીના ભાઇ જયદિપ પટેલ વતી આજે એડવોકેટ ભૌમિક શાહે કરજણ કોર્ટમાં સ્વીટી ગર્ભવતી હોવાથી અથવા ઘર કંકાસના કારણથી તેનું મર્ડર થયું તેવી શંકા વ્યક્ત કરી હતી.