ગુજરાતમાં કોરોના અને મ્યુકરમાઈકોસીસના આતંકથી પ્રજા અને સરકાર પરેશાન છે. ત્યાં હવે બીજી આફતના એંધાણ થયા છે. હવામાન વિભાગે 16મી મે સુધીમાં અરબી સમુદ્રમાં વાવાઝોડું સક્રિય થવાની સંભાવના વ્યક્ત કરતા જ કાંઠા વિસ્તારોમાં એલર્ટ જારી કરાયું છે. જો કે, સક્રિય થયા બાદ વાવાઝોડું કઈ દિશામાં જશે તેનો કોઈ વર્તારો નથી. બુધવારે કેબિનેટની બેઠક બાદ ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાના કહેવા પ્રમાણે શુક્રવારે સમુદ્રમાં લો પ્રેસર સર્જાય તેવી સંભાવના છે. જે બાદ રવિવારે તે 16મી મેના રોજ તે સાયક્લોનમાં પરિણમે તો તે કચ્છ, સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારોને નુકાસાન થઈ શકે છે.
તેથી વિજયભાઈ રૂપાણીએ સમગ્ર વહિવટી તંત્રને સતર્ક રહેવા આદેશો કર્યા છે. આ વાવાઝોડુ દિવસો જતા ઉત્તર-પશ્ચિમ દિશા તરફ આગળ વધે તેવી સંભાવના છે. હવામાન ખાતાએ આ અંગે વ્યક્ત કરેલા અંદેશા મુજબ 14 મેના રોજ લો પ્રેશર સર્જાયા બાદ લક્ષદ્વિપ, કેરળ, કર્ણાટકના દરિયાકાંઠા, તામિલનાડુ ઘાટના વિસ્તાર, મહારાષ્ટ્રના કેટલાક હિસ્સામાં ભારે વરસાદ પડી શકે છે. ‘
જેના પગલે ગુજરાતના કેટલાંક વિસ્તારના વાતાવરણમાં પલટો આવી શકે છે. રાજ્યના દાહોદ, તાપી, ડાંગ, ભાવનગર અને કચ્છ વિસ્તારમાં આ દિવસે પવન સાથે વરસાદની સંભાવના છે.
જયારે દક્ષિણ-પશ્ચિમ અરબી સમુદ્રમાં 14મી મે સુધી એક લો પ્રેશર સક્રિય થઈ શકે છે. લો પ્રેશર બનવાની ગતિવિધી વિશે અભ્યાસ થઈ રહ્યો છે. લો પ્રેશર સક્રિય થયા બાદ 16મી મે સુધીમાં તે વાવાઝોડામાં પરિવર્તિત થવાની પ્રબળ શક્યતા છે. જો વાવાઝોડુ આવે તો રાજ્યના અનેક વિસ્તારોમાં તેની અસર થશે. લો પ્રેશર સર્જાયા બાદ જ વાવાઝોડાની દીશા અંગે કોઈ તારણ કાઢી શકાય તેમ છે.
અરબ સમુદ્રમાં લો પ્રેસર સર્જાવાની પ્રક્રિયા વચ્ચે રવિવાર સુધીમાં કચ્છ- સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ટોકતે નામના વાવાઝોડાના ત્રાટકવાની શકયતા વધુ છે. આ વિશે ગુજરાત સરકારને રિપોર્ટ કરી દેવાયો છે. હાલમાં સરકાર દ્વારા સંભવિત અસરગ્રસ્ત જિલ્લાઓને એલર્ટ રહેવા તાકીદ કરાઈ છે.