ચીનમાં સત્તાધીશો સામે અવાજ ઉઠવાનાર ઉદ્યોગપતિ જેક મા નવેમ્બર મહિના બાદ જાહેરમાં દેખાયા ન હતા. આથી જેક મા ને ચીની સરકારે નજરકેદમાં રાખ્યા હોવાની શંકા ઉઠી રહી હતી. અલીબાબા સહિતની કંપનીના કાર્યક્રમોમાં પણ જાહેરમાં જેક મા દેખાતા ન હોવાથી જિનપીંગ સરકાર તેની કંપની હસ્તગત કરવા જઈ રહી હોવાની વાતો પણ વહેતી થઈ હતી. જો કે, ચીનના અરબોપતિ જેક માનો એક વીડિયો વાયરલ થતાં જ ચીનના લોકોને રાહત થઈ હતી. ખાસ કરીને તેની કંપનીમાં કામ કરનારાઓ તથા રોકાણ કરનારાઓએ હાશકારો અનુભવ્યો હતો. જીનપિંગ સામે મોરચો માંડ્યા બાદ ગુમ થયેલા અલિબાબાના જેક મા અચાનક પ્રગટ થયાની ખબર સાથે જ ચીનના અન્ય ઉદ્યોગપતિને પણ રાહત થઈ છે. ચીની સ્ટેટ મીડિયા ગ્લોબલ ટાઈમ્સે એક વીડિયો શેર કર્યો છે જેમાં જૈક દેશના અંદાજે 100 ગ્રામીણ શિક્ષકો સાથે વર્ચ્યુઅલ મીટ કરતા નજરે પડી રહ્યા છે. દુનિયાના અમીરોની યાદીમાં સામેલ જૈક મા છેલ્લા બે મહિના કરતા વધુ સમયથી ગુમ હતા. ઓક્ટોબરમાં ચીનના વ્યાજખોર નાણાકીય નિયમો અને સરકારી બંકો વિરુદ્ધ શંધાઈમાં આપેલા ભાષણમાં જૈક માએ આકરી નિંદા કરી હતી. તે સમયે જૈક માએ ચીની સરકારને અપીલ કરી હતી કે, બિઝનેસમાં નવી વસ્તુઓ શરૂ કરવાના પ્રયત્નને પ્રોત્સાહન માટે સિસ્ટમમાં ફેરફાર કરવો આવશ્યક હોવા પર ભાર મુક્યો હતો.
તેથી ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ નારાજ થયા હતા. જેક મા સહિસલામત હોવાની ખાતરી થતાં જ અલીબાબા કંપનીની વેલ્યુ પણ વધી છે. સાથે જ રોકાણકારો માલામાલ થઈ ગયા છે. જેક માની કંપની અલીબાબાના શેરની કિંમત રોકેટગતિએ આગળ વધી છે. જેને કારણે તેની અલીબાબા કંપની તથા અન્ય સહાયક જૂથમાં રોકાણ કરનારા લોકોને 4.5 લાખ કરોડનો ફાયદો થયાનો અંદાજો છે. જેક મા ગાયબ થવાની ખબરથી સમગ્ર દુનિયામા ખળભળાટ મચી ગયો હતો. સાથે જ અલીબાબાના શેરોમાં પણ ભારે કડાકો નોંધાયો હતો. ખુદ જેક માને લાખો અરબોનું નુકસાન થયાના અહેવાલો છે. મીડિયા રિપોર્ટમાં થયેલા દાવા પ્રમાણે જેક મા દેખા દેતા હોંગકોંગના શેરબજારમાં અલીબીબા ગ્રૃપના શેરમાં 11 ટકાનો ઉછાળો નોંધાયો હતો.
પરિણામે કંપનીની માર્કેટ કેપમાં 4.56 લાખ કરોડનો વધારો થયો, જે છેલ્લા 6 મહિનાનો સૌથી મોટો ઉછાળો રહ્યો છે. બુધવારે એક જ દિવસમાં અલીબાબના 8.5 કરોડના શેરની લેવડ દેવડ થયાના સત્તાવાર રિપોર્ટ છે. આ ઉપરાંત અલીબાબા હેલ્થ ઈન્ફોર્મેશન ટેક્નોલોજી લિમિટેડના શેરની કિંમત 18 ટકા વધી હતી.