પંજાબમાં કોરોના વકરતાં તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે, એ ઉપરાંત વધુ 4 જિલ્લામાં રાત્રી કરફ્યુ લાદી દેવામાં આવ્યો છે, તે સાથે રાજ્યમાં કુલ 8 જિલ્લાઓમાં રાત્રી કરફ્યુ લાદી દેવાયો છે. શુક્રવારે એક જ દિવસમાં કોરોનાના નવા 1318 કેસ નોંધાયા હતા, જ્યારે 4ના મોત થયા હતા. દેશમાં કોરોનાના કેસો ફરી વધવા માંડ્યા છે. મહારાષ્ટ્ર અને કેરળ બાદ ત્રીજા ક્રમે કોરોનાના કેસો પંજાબમાં વધી રહ્યા છે. પંજાબમાં સાવચેતીરૂપે હવે કોરોના નિયંત્રણ માટે પગલાં ભરાઇ રહ્યા છે. પંજાબમાં શુક્રવારથી વધુ ચાર જિલ્લાઓમાં રાત્રી કરફ્યુ લાગવામાં આવ્યો છે અને તમામ શાળાઓ બંધ કરી દેવાનો આદેશ કરવામાં આવ્યો છે. કોરોનાના કેસો માંડ નિયંત્રણમાં આવ્યા હતા, ત્યાં જ અનલોક પ્રક્રિયા શરૂ કરવા સાથે રાજકિય ગતિવિધિ ઉપરના તમામ નિયંત્રણો દૂર થવાને પગલે ટોળાં ભેગા થવાની ઘટના સામાન્ય થઇ પડી છે. રાજકિય રેલીઓ, રાજકિય સભાઓમાં સોશ્યલ ડિસ્ટન્સની ઐસી કી તૈસી કરીને ગતિવિધિઓ ચાલતી રહી છે, તેના પરિણામ ભોગવવા પડશે. એ ઓછું હોય એમ ક્રિકેટ મેચ પણ દર્શકોની હાજરી સાથે યોજાવી શરૂ થઇ ગઇ છે. લોકો એકત્ર થાય એવી પ્રવૃત્તિઓને પગલે કોરોના ફરીથી માથું ઉંચકી રહ્યો હોય એમ લાગી રહ્યું છે.
એ સંજોગોમાં મહારાષ્ટ્રમાં તો અનેક કેસો વધ્યા છે. નાગપુર જેવા નગરમાં તો ફરી લોકડાઉન અમલી કરાયું છે. તો કેરળમાં પણ કોરોનાના કેસો વધી રહ્યા છે. હવે પંજાબમાં પણ આંકડો વધી રહ્યો છે, ત્યારે રાજ્ય સરકારે નિયંત્રણ માટે પગલાં ભરવા શરૂ કર્યા છે. પંજાબની રાજ્ય સરકારે લુધિયાણા, પટિયાલા, મોહાલી, ફતેહગઢ સાહિબ, જાલંઘર, નવાંશહર, કપૂરથલા અને હોશિયારપુરમાં રાત્રે કરફ્યુ લાદી દેવાયો છે. રાત્રે 11 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધીનો કરફ્યુ અમલી રહેશે. એ ઉપરાંત શિક્ષણ મંત્રી વિજય ઇંદર સિંગલાએ જણાવ્યું કે શાળા શિક્ષણ વિભાગે તમામ સરકારી તથા ખાનગી શાળાઓ બંધ કરવાનો આદેશ આપ્યો છે. જો કે મંત્રીએ એમ પણ જણાવ્યું હતું કે શિક્ષકોએ શાળામાં જવું પડશે અને જો કોઇ બાળકોને પરીક્ષાની તૈયારી માટે માર્ગદર્શનની જરૂર હોય તો બાળક શાળામાં જઇને શિક્ષક પાસે જઇને માર્ગદર્શન મેળવી શકશે. તેમણે એમ પણ ઉમેર્યું હતું કે, પરીક્ષા કોવિડ 19ના સખ્ત દિશાનિર્દેશો હેઠળ ઓફલાઇન લેવાશે. મતલબ કે પરીક્ષા તો શાળામાં જ લેવાશે. પરંતુ એ માટે સામાજિક અંતર તથા અન્ય પગલાં સખ્તાઇથી ભરવા પડશે. પરીક્ષા નિયત સમયે જ લેવાશે એવી પણ જાહેરાત તેમણે કરી હતી.પંજાબમાં બોર્ડની પરીક્ષાઓ હેઠળ 8 અને 12ની પરીક્ષાઓ 22 માર્ચથી શરૂ થશે, જ્યારે 10 મા ધોરણની પરીક્ષા 9 એપ્રિલે લેવાશે.