ગુજરાત સરકારે આજે તમામ બોર્ડ નિગમોના રાજકીય ચેરમેનો અને વાઇસ ચેરમેનના અચાનક રાજનામાં માંગી લેતા રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. આશરે સવા વર્ષ પહેલા 18 બોર્ડ નિગમોના ચેરમેનોની મુદ્દત પુરી થયા બાદ નવી નિમણુંક કરવામાં આવી નથી. આ જગ્યાઓ ઉપર હાલ અધિકારીઓ ચેરમેનનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. હાલ 10 જેટલા બોર્ડ નિગમોમાં ભાજપના આગેવાનો ચેરમેનપદે છે તે તમામને તાત્કાલીક રાજીનામા આપી દેવા કહી દેવામાં આવ્યું છે. કમલમ્ ખાતે બોલાવી પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે સૂચના આપી હતી કે તમામે રાજીનામાં આપી દેવાના છે. આ લખાઇ રહ્યું છે ત્યાં સુધી તેમાંના મોટાભાગનાએ રાજીનામાં આપી દીધા છે. જે ગાંધીનગર હાજર નહોતા તેમના રાજીનામા ગણતરીની કલાકોમાં મુખ્યમંત્રીને પહોંચી જશે એવું કહેવામાં આવી રહ્યું છે.
સરકાર ટૂંક સમયમાં રાજ્યના 50 જેટલા બોર્ડ નિગમોમાં નવેસરથી નિમણુંકો કરે તેવી સંભાવના દેખાઇ રહી છે. વિધાનસભાની ચૂંટણીને ધ્યાને રાખીને આ નિમણુંકો કરવામાં આવશે. પ્રબળ દાવેદારો હોવા છતાં જેમને ટિકીટ આપી શકાય તેમ નથી તેમને બોર્ડ નિગમ આપીને રાજી કરવા પ્રયાસ કરાશે તેમ માનવામાં આવી રહ્યું છે.
મ્યુનિસિપલ ફાન્યનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી, બિન અનામત નિગમના ચેરમેન બાબુભાઇ ઘોડાસરા, બિન અનામત આયોગના ચેરમેન હંસરાજ ગજેરા, મહિલા આયોગના ચેરમેન નિલાબેન આત્રોલીયા, લઘુમતિ બોર્ડના ચેરમેન સજ્જાદ હિરા, ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડના ચેરમેન મુળુભાઇ બેરા, ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મધુ શ્રીવાસ્તવ, જીઆઇડીસીના ચેરમેન બળવંતસિંહ રાજપૂત વગેરેનો સમાવેશ થતો હોવાનું જાણવા મળે છે.