લોકસભાની ચૂંટણીમાં 365 બેઠકો અંકે કર્યા બાદ બહુમતિના જોરે નિર્ણયો લેતી મોદી સરકારના શાસનમાં આજે પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવ રેકોર્ડ સર્જી રહ્યા છે. આમ જનતા મોંઘવારી, બેરોજગારી જેવી સમસ્યાથી ત્રસ્ત છે. આમ છતાં આડેધડ કરબોજ નાંખી ખાલી તિજોરીને ભરવા માંડેલી સરકાર હજી પ્રજાને રાહત આપે તે દીશામા કોઈ પગલુ ભરી રહી નથી. બે દિવસ પહેલાં જ પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને ઈંધણ પરના ટેક્સ વિશે પુછાયેલા સવાલનો જવાબ આપતા કોઈ પણ પ્રકારે એકસાઈઝ ડ્યુટી નહીં ઘટે તેવી સ્પષ્ટતા કરી ચુક્યા છે. આ તમામ બાબતો વચ્ચે ભારતમાં એક રાજ્યએ પ્રજાને મોટી રાહત આપવાનો નિર્ણય કર્યો છે. તમને વાંચીને નવાઈ લાગી હશે પરંતુ આ સત્ય છે.
પેટ્રોલ ડીઝલના વધતા ભાવ વચ્ચે પ્રજાને રાહત આપવાનું કામ દેશના મેઘાલયમાં થયું છે. પૂર્વોત્તરનું રાજ્ય ગણાતા મેઘાલયમાં આવકના સાધનો મર્યાદીત છે. આમ છતાં મેઘાલય સરકારે પેટ્રોલ અને ડીઝલ ઉપર વેટ ઘટાડવાનો નિર્ણય લઈને તેનો અમલ પણ શરૃ કર્યો છે. મેંઘાલયમાં સરકારના આ નિર્ણયથી ઈંધણના ભાવમાં પ્રતિ લિટરે પાંચ રૂપિયાનો ઘટાડો થયો છે.
થોડા દિવસ પહેલાં જ આસામની સરકારે પ્રજાના હિતમાં પેટ્રોલ અને ડીઝલ ઉપર વધારાનો ટેક્સ પરત ખેંચવાનો નિર્ણય કર્યો હતો. જેને પગલે આસામમાં 12 ફેબ્રુઆરીથી ઈંધણના ભાવ પ્રતિ લિટર પાંચ રૃપિયા ઘટી ગયા હતા. આસામ સરકારની આ જાહેરાતની અસર મેઘાલય પર પડી હોય તેમ ત્યાંના મુખ્યમંત્રી કાર્યાલયની તરફથી નિવેદન જારી કરીને તાત્કાલિક અમલમાં આવે તે મુજબ ટેક્સ ઘટાડી દીધો હતો. સીએમ કાર્યલયના નિવેદનમાં નોંધાયું હતુ કે, મેઘાલય સરકારે પેટ્રોલમાં પ્રતિ લિટરે રૂ.5.4 અને ડીઝલમાં પ્રતિ લિટરે રૂપિયા 5.1નો ઘટાડો કરવાનો નિર્ણય કર્યો છે. 16 ફેબ્રુઆરીથી પેટ્રોલ 85 રૂપિયા 86 પૈસાના ભાવે વેચાવાનું શરૃ થઈ ગયું છે. જ્યારે ડીઝલ 79 રૂપિયા 13 પૈસાના ભાવે વેચાણ થઈ રહ્યું છે.