ભારતના સ્પેસ સેક્ટરમાં એમેઝોન અને વન વેબ સહિત ૨૬ જેટલી દેશી અને વિદેશી કંપની રુચિ દાખવી રહી છે. ભારતના સ્પેસ સેક્ટરને ખાનગી ક્ષેત્ર માટે ખોલવા મોદી સરકારે કેટલાક દિવસો પહેલા નિર્ણય લીધો હતો. જે બાદ અત્યાર સુધીમાં તે અંગે સરકારને ૨૨ સ્થાનિક અને ૪ વિદેશી કંપનીઓ તરફથી પ્રસ્તાવ મળ્યા છે. ઇન્ડિયન નેશનલ સ્પેસ પ્રમોશન એન્ડ ઓથોરાઇઝેશન સેન્ટરને જે દરખાસ્ત મળી છે તેમાં ગ્રાઉન્ટ સ્ટેશન માટે મંજૂરી, સેટેલાઇટ તૈયાર કરીને લોન્ચ કરવા, સેટેલાઇટ કોન્સ્ટેલેશન તૈયાર કરવા અને લોન્ચ વ્હિકલ તૈયાર કરવા જેવી કામગીરી છે.
હવે આઇએન-સ્પેસ સરકારને મળેલા તમામ પ્રસ્તાવો અંગેની સમીક્ષા કરવા માંડી છે. મહત્વની વાત તો એ છે કે ભારતના સ્પેસ સેકટર માટે દરખાસ્ત મોલનારામાં જેફ બેજોસની કંપની એમેઝોન વેબ સિરીઝ, ભારતી ગ્રૂપનું રોકાણ ધરાવતી બ્રિટનની કંપની વન વેબ પણ સામેલ છે. મળતી વિગતો મુજબ યુએઇની આરચેરોન કંપની નાના ઉપગ્રહના લોન્ચિંગમાં મદદ ઇચ્છે છે તો નોર્વેની કોંગબર્ગ સેટેલાઇટ સવર્સિ ગ્રાઉન્ડ સ્ટેશન તૈયાર કરવાની ઈચ્છા ધરાવે છે.
તાતાની નેલ્કો કંપનીએ અર્થ ઓર્બિટ નેટવર્ક સેવા માટે સહયોગ માંગ્યો છે. અમેઝોન વેબ સિરીઝે આઇએન-સ્પેસ એજન્સીની રચનાને મંજૂરી મળતાં જ નવી કંપની એરોસ્પેસ એન્ડ સેટેલાઇટ સોલ્યુશન ઊભી કરવા તૈયારી બતાવી છે. કંપનીએ પ્રાઇવેટ સ્પેસ બિઝનેસ માટે પ્રસ્તાવ મુક્યો હતો. જેમાં ગ્રાઉન્ડ સ્ટેશન તૈયાર કરીને સેટેલાઇટ આધારિત સેવા આપવાની વાતનો ઉલ્લેખ તે કંપનીએ કર્યો છે. તે જ પ્રમાણે વન વેબે સ્મોલ સેટેલાઇટ કોન્સ્ટેલેશન તૈયાર કરીને સેવાઓ આપવા તત્પરતા દાખવી છે.