મુકેશ અંબાણીના ઘર નજીકથી ગુરુવારે જિલેટીન ભરેલી કાર મળી આવી હતી. જેને પગલે એટીએસ અને મુંબઈ ક્રાઈમ બ્રાંચની દોડધામ વધી ગઈ હતી. જો કે, અત્યાર સુધી પોલીસ આ કેસમાં મુળ આરોપી સુધી પહોંચી શકી નથી. જો કે, આ ઘટના બાદ 71.2 અબજ ડોલરની સંપત્તિના માલિક મુકેશ અંબાણીની સુરક્ષા વ્યવસ્થા ફરી દેશમાં ચર્ચાનો વિષય બની છે. મુકેશ અંબાણી ભારતના મોટા ઉદ્યોગપતિ હોવાથી તેમને Z + સિક્યુરિટી અપાય છે. આ સુવિધા અત્યારે ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી પાસે છે. આ સુવિધા માટે મહિને 20 લાખનો ખર્ચ અંબાણી પોતે વેઢારી રહ્યા છે.
અંબાણીની સુરક્ષા ટીમને બેરક પણ ઉપલબ્ધ કરાવાય છે. મુકેશ અંબાણીના કાફલામાં વ્હાઈટ મર્સિડીઝની AMG G63 મોડલની કાર સામેલ રહે છે. Z+ સુરક્ષા હોવાથી મુકેશ અંબાણીની સુરક્ષામાં એક સમયે 55 સુરક્ષા કર્મચારી હોય છે. તેમા 10 NSG અને SPG કમાન્ડો સાથે અન્ય પોલીસ કર્મચારીઓ હોય છે. સુરક્ષાના પહેલા ચરણની જવાબદારી NSG સંભાળે છે. જે બાદ SPGના જવાનો બીજા ઘેરાવ ક્ષેત્રમાં ફરજ બજાવે છે. આ ઉપરાંત ITBP અને CRPFના જવાનો પણ આ વ્યવસ્થામાં સામેલ હોય છે.
મુકેશ અંબાણીની સુરક્ષામાં રહેલા પોલીસ કર્મચારીઓ પણ બુલેટપ્રૂફ BMW અને રેન્જ રોવરમાં ચાલે છે. અંબાણીના સુરક્ષા કાફલામાં સૌથી આગળ રહેતી બે બાઈક્સ પણ વિશેષ છે. રોયલ એનફીલ્ડની ઈલેક્ટ્રાને રોડ રેઝ કસ્ટમ બિલ્ડ્સે કસ્ટમાઈઝ કરી ખાસ મુકેશ અંબાણીના કાફલા માટે તૈયાર કરી છે. ઉપરાંત અંબાણી પાસે બે બુલેટપ્રૂફ કાર છે. તે પૈકી એક આર્મર્ડ BMW 760 Li અને બીજી મસ્રિડીઝ બેંઝ S 660 ગાડી છે. આ બાઈક્સ પર સામાન્ય રીતે મુંબઈ પોલીસના જવાનો હોય છે.
જયારે મુકેશની પત્ની નીતા અંબાણીને Y કેટેગરીની સુરક્ષા અપાય છે. જેમાં હથિયારોથી સજ્જ 10 CRPF કમાન્ડો હોય છે. ગત વર્ષે મુંબઈના ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ હિમાંશુ અગ્રવાલે મુકેશ અંબાણીને Z+ સિક્યુરિટી આપવાના વિરોધમાં સુપ્રીમમાં અપીલ કરી હતી. જેમાં અંબાણીની સુરક્ષાને લીધે સરકારી તિજોરી પર બોજ પડતો હોવાની દલીલ કરાઈ હતી. જો કે, સુનાવણી દરમિયાન મુકેશ અંબાણીના વકીલે કહ્યું હતું કે સુરક્ષા વ્યવસ્થા પાછળનો આ ખર્ચ સંપૂર્ણપણે અંબાણી જ ઉઠાવે છે. તેથી નવેમ્બર,2020માં સુપ્રીમ કોર્ટે હિંમાશું અગ્રવાલની અરજી નકારી દીધી હતી.