રાજસ્થાનના બાંસવાડા જિલ્લાના દાનાપુર વિસ્તારમાં એક દર્દીનું મૃત્યુ થયું કારણ કે એમ્બ્યુલન્સનું ઇંધણ પૂરું થઇ ગયું હતું. દર્દીની પુત્રી અને જમાઇએ એમ્બ્યુલન્સને એક કિલોમીટર સુધી ધક્કો માર્યો પણ દર્દીનો જીવ બચી શકાયો નહીં. આરોગ્ય વિભાગે સમગ્ર મામલે તપાસ શરૂ કરી હતી.
મળતી માહિતી મુજબ, દાનાપુરની રહેવાસી 40 વર્ષીય તેજિયાની અચાનક તબિયત લથડી હતી. સંબંધીઓએ રાજસ્થાન સરકારની 108 એમ્બ્યુલન્સને બોલાવી હતી. તેજિયાને 108 એમ્બ્યુલન્સમાં હોસ્પિટલ લઈ જવામાં આવી રહી હતી. રસ્તામાં એમ્બ્યુલન્સ બાંસવાડાથી લગભગ 10 કિમી દૂર રતલામ રોડ પર ટોલ પાસે રોકાઈ હતી. એમ્બ્યુલન્સમાં ઓઈલ ખતમ થઈ ગયું હોવાનું જાણવા મળ્યું હતું.
જ્યારે એમ્બ્યુલન્સ રસ્તા પર ઊભી રહી ત્યારે દર્દીની પુત્રી અને જમાઇ અને અન્ય લોકોએ તેને ધક્કો મારીને એક કિલોમીટર સુધી લઈ ગયા હતા. પરંતુ પછી ધક્કો મારનારા પણ થાકી ગયા અને તબિયત બગડવાને કારણે તેજિયાનું મૃત્યુ થયું. આ કેસમાં બાંસવાડા સીએમએચઓએ કહ્યું કે, અમને ઘટનાની જાણ થઈ અને તપાસ શરૂ કરી દીધી છે. પીડિતાના પરિવારજનોને મળશે અને બેદરકારી અંગે જાણકારી મેળવશે. ખાનગી એજન્સી દ્વારા 108 એમ્બ્યુલન્સ ચલાવવામાં આવી રહી છે. તે એમ્બ્યુલન્સની જાળવણી માટે જવાબદાર છે.
આ મામલે સીએમએચઓ હીરાલાલ તબિયારે કહ્યું કે, તપાસ શરૂ કરી દેવામાં આવી છે. 108 એમ્બ્યુલન્સ ખાનગી એજન્સી દ્વારા ચલાવવામાં આવે છે. આ એજન્સી રાજ્ય સરકાર દ્વારા અધિકૃત છે. એમ્બ્યુલન્સની જાળવણીની જવાબદારી કંપનીની છે. ક્યાં બેદરકારી થઈ છે તે તપાસ બાદ સામે આવશે.
બીજી તરફ રાજસ્થાન સરકારના મંત્રી પ્રતાપ સિંહ ખાચરિયાવાસે આ મામલાને લઈને કહ્યું કે જો એમ્બ્યુલન્સમાં પેટ્રોલ સમાપ્ત થઈ ગયું અને દર્દીનું મોત થઈ ગયું તો તે સિસ્ટમની નિષ્ફળતા નથી પરંતુ મેનેજમેન્ટની નિષ્ફળતા છે. આની સામે જે પણ જવાબદાર હશે તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.