ભારતમાં કોરોનાની ત્રીજી લહેરનું કાઉન્ટડાઉન શરુ થઈ ગયું છે. આસામમાં તો મહિલા તબીબમાં કોરોનાના એક સાથે બે વરીઅન્ટ દેખા દેતાં સરકાર અને તંત્રની ઉંઘ હરામ થઈ ગઈ છે. હવે કોરોનાની ત્રીજી લહેરની આશંકા વચ્ચે દેશના અનેક રાજ્યોમાં વરસાદને કારણે આફત આવી પડી છે. ગુજરાત ઉપરાંત દિલ્હી, ઉત્તર કાશી અને હિમાચલપ્રદેશમાં 2 દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે. દિલ્હી તેમજ એનસીઆરમાં મંગળવારે બપોર પછી વરસાદ પડવાનું શરૃ થયું હતું. જેને કારણે દિલ્હીનાં લોકોને ગરમીમાં રાહત મળી હતી. જો કે, દિલ્હીના કેટલાક વિસ્તારોમાં વરસાદી પાણીનો ભરાવો જોઈ શકાયો હતો. દિલ્હીમાં આગામી બે દિવસ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું.
વરસાદને કારણે ઉત્તર કાશી હિમાચલમાં અત્યાર સુધીમાં સાત વ્યક્તિનાં મોત થયા છે. ઉત્તરાખંડનાં ઉત્તર કાશી તેમજ ટેહરી ગઢવાલમાં ભારે વરસાદ તેમજ જમીન ધસી પડવાથી કેટલાક મકાનોને નુકસાન થયાના અહેવાલો છે. ઉત્તર કાશીનાં માંડવ ગામ ખાતે કાદવમાં ફસાઈ ગયેલા ૩ વ્યક્તિનાં મોત થયા હતા. ઘટના બાદ પોલીસ સહિતના પ્રશાસને મૃતકોની ઓળખ ૩૬ વર્ષનાં મથુરા દેવી, ૩૨ વર્ષનાં રિતુ દેવી તેમજ ૩ વર્ષની ત્રિશ્વી તરીકે કરી હતી. હિમાચલપ્રદેશમાં રવિવારથી ભારે વરસાદ પડી રહ્યો હોવાથી સ્થાનિકોની મુશ્કેલી વધી છે. અહીં સોમવારે બે વ્યક્તિનાં મોત થવા ઉપરાંત અન્ય બે લાપતા થયા હતા. દુનાલી નજીક રાવિ નદીમાં કાર તણાઈ જતા ૫૫ વર્ષનાં સુભદ્રા દેવીનું મોત થયું હતુ. જ્યારે તેમનાં પતિ ફરંગુરામ અમે પુત્ર તેજસિંહના હજુ સુધી કોઈ સગડ મળ્યા નથી. ચંબા ટિસા રોડ પર કાર તણાઈ જવાથી હિતેશસિંહ નામની વ્યક્તિ મોતને ભેટી હતી. જયારે મંડી-કુલ્લુ અને કટૌલા વચ્ચેના રસ્તા પર ટ્રાફિકજામ થવાથી હજારો લોકોને કલાકો સુધી અટવાવું પડ્યું હતુ.
આ ઉપરાંત પંજાબનાં પતિયાલાના શૂતરાના વિસ્તારમાં ભારે વરસાદને કારણે એક મકાનની છત પડી હતી. આ ઘટનામાં એક જ પરિવારનાં ૪ લોકોનાં મોત થવા ઉપરાંત એકને ઈજા થઈ હતી. ગોવા અને કર્ણાટકમાં છેલ્લા ૨૪ કલાકમાં વરસાદને કારણે બે વ્યક્તિના મોત નિપજ્યા હતા. બીજી તરફ હવામાન ખાતાએ બુધવારે પણ ઉત્તર તેમજ પશ્ચિમ ભારતનાં કેટલાંક રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કરી હતી. જેમાં આગામી ૨૪ કલાક ઉત્તર ભારત તેમજ પશ્ચિમ ભારતમાં તંત્રને સાવચેત કરવા ઉપરાંત લોકોને પણ સાવધ રહેવા તાકીદ કરાઈ છે. ક્યાંક જમીન ધસી પડવાની ઘટના તો ક્યાંક પૂરની સંભાવના છે.