અમદાવાદ સહિત ગુજરાતભરમાં અષાઢી બીજે પરંપરાગત રીતે ભગવાન જગન્નાથજી નગરચર્યા માટે નીકળે છે. આખ કરીને અમદાવાદમા અષાઢી બીજે નીકળતી રથયાત્રાનું ભક્તોમાં અનેરું આકર્ષણ છે. જો કે, પોણા બે વર્ષથી કોરોનાની સ્થિતિને કારણે 2020માં રથયાત્રાને સરકારે મંજૂરી આપી ન હતી. જેથી 2021માં સરકાર આ યાત્રાને મંજૂરી આપે તેવી માંગ ઉઠી હતી. ભકતો અને મંદીરના ટ્રસ્ટીઓએ પણ આ માટે સરકારને રજૂઆત કરી હતી. દરમિયાન ગરુવારે રુપાણી સરકારે અમદાવાદમાં રથયાત્રા યોજવા લીલીઝંડી આપી હતી. આ અંગે ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ કહ્યુ કે, ૧૨ જૂલાઈએ સોમવારે રથયાત્રાના રૂટ ઉપર કરફ્યુ રહેશે. રથની સમક્ષ શ્રધ્ધાળુઓનુ ટોળુ એકત્ર નહીં થાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવશે.
ભક્તોને આ યાત્રાનો લહાવો મળે તે માટે ટીવી, સોસિયલ મિડિયામાં જીવંત પ્રસારણના મધ્યામનો ઉપયોગ કરાશે. રથયાત્રાના સમગ્ર રૂટ પર પ્રસાદ વિતરણ પણ કરવામાં નહીં આવે. અમદાવાદમાં જગન્નાથ મંદિરમાં વહેલી પરોઢે ગૃહમંત્રી અમિત શાહ પોતાના પરિવાર સાથે મંગળા આરતી કરશે. જે બાદ ભગવાનની નગરચર્યા પહેલા રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પહિંદવિધીમાં જોડાશે. પ્રદિપસિંહ જાડેજાએ વધુમાં કહ્યું હતુ કે, અમદાવાદ સહિતના સ્થાનિક વહિવટી તંત્રને તથા સબંધિત મંદિર, ટ્રસ્ટ કે આયોજકો સાથે મિટિંગ યોજીને ટૂંકામાં ટૂંકો માર્ગ નક્કી કરાશે.
યાત્રામાં વધુમાં વધુ પાંચ જ વાહનો જોડી શકાશે. પરંતુ, અખાડા, ટ્રક, હાથી, ભજન મંડળી, બેન્ડ ભાગ લઈ શકશે નહી. નાગરીકોના સહકારથી સરકારી તંત્રએ કોરોના પર હાલમાં જ નિયત્રંણ મેળવ્યુ છે. આમ છતાં કોરોનાને લઈને સરકાર કોઈ જોખમ લેવા માંગતી નથી. આથી યાત્રામાં જે લોકોને પરવાનગી મળશે તેમણે પણ માસ્ક, સોસિયલ ડિસટન્સ અને સેનિટાઈઝેશનના નિયમનો ચૂસ્ત અમલ કરવો પડશે. દરમિયાન ગૃહ વિભાગના ઉપસચિવ પંકજ દવેની સહિથી આ અંગે જાહેરનામું પણ બહાર પાડી દેવાયું છે.