દિવાળીની આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે અત્યારે રાત્રિ દરમિયાન ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. સવારે વાદળછાયા વાતાવરણ વચ્ચે હળવા ખુશનૂમા પવન સાથે શિયાળાનું આગમન થઈ રહ્યું છે. જો કે અત્યારે બેવડી ઋતુથી તેની શરૂઆત થઇ છે. રાત્રે ઠંડીનો અનુભવ તેમજ દિવસ દરમિયાન તડકો તેમજ ગરમીનો અનુભવ થઇ રહ્યો છે. અમરેલી જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. જિલ્લામાં ઠંડીમાં થઈ રહેલી વધઘટ વચ્ચે વધુ એક વખત વાતાવરણમાં પલટો આવ્યો છે. જેના કારણે તાપમાનમાં ગણતરીના કલાકોમાં આઠ ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે. બપોર દરમિયાન ગરમી પણ લાગી રહી છે. જો કે, હજુ તો શિયાળાની શરૂઆત છે, છતાંય વહેલી સવારે ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. ઠંડીનો વરતારો થતાં જ શહેરીજનો જીમખાના પર કસરત કરતા જોવા મળી રહ્યા છે. હવામાં ભેજનું પ્રમાણ વધવાને કારણે હવે ધુમ્મસ સાથે ઠંડીનો ચમકારો વધવાની શક્યતા છે. સામાન્ય રીતે ભાદરવા મહિનાની શરૂઆત સાથે જ બેવડી ઋતુ પણ શરૂ થઈ જાય છે. ડબલ ઋતુને કારણે શહેરમાં વાઇરલ બીમારીઓ ઘર કરી ગઈ છે. ઘેર ઘેર વાઇરલ તાવ અને શરદીના દર્દીઓ જોવા મળી રહ્યા છે. જે ચેપી રોગ હોવાને કારણે આખે આખા પરિવાર તેમાં સપડાઈ રહ્યા છે. બેવડી ઋતુના કારણે શહેરમાં સરકારી, ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવા આવતા દર્દીની સંખ્યામાં વધારો થયો છે. જેમાં સૌથી વધુ દર્દીને વાઇરલની અસર હોવાની બાબત ધ્યાને આવી છે. ભાદરવા મહિનામાં તથા ચોમાસામાં ભરાયેલાં પાણી, નવાં પાણીને કારણે પાણીજન્ય રોગો જેવા કે મેલેરિયા, ટાઇફોઇડ, ઝેરી મેલેરિયા, ડેન્ગ્યુ જેવા રોગોનું પ્રમાણ વધી જાય છે
સરકારી હોસ્પિટલની ઓપીડીમાં દર્દીની સંખ્યામાં વધારો
સરકારી હોસ્પિટલની ઓપીડીમાં રોજ આવતા દર્દીની સંખ્યામાં ૧૦૦થી ૧૫૦ દર્દીનો વધારો નોંધાયો છે. ખાનગી હોસ્પિટલમાં પણ ઓપીડીમાં લાઈન જોવા મળી રહી છે, તેમાંથી વધુ દર્દી વાઇરલનો ભોગ બનેલા જોવા મળી રહ્યા છે. આ વાઇરલ ખૂબ ઝડપથી ફેલાય છે. તેની પાછળ ખાસ કરીને હવામાન મહ¥વની બાબત હોવાનું મનાઈ રહ્યું છે. કારણ કે જિલ્લામાં સવારે વાતાવરણ ઠંડું હોય છે અને બપોરના સમયે ઉનાળા જેવી ગરમી લાગે છે. બપોરે એસી અને પંખાની જરૂર પડી રહી છે. ડોક્ટરોના મતે વાઇરલને ફેલાતો અટકાવવા લોકો ફરીથી માસ્ક પહેરે તે ખૂબ જરૂરી છે.