કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઇ શાહના અધ્યક્ષસ્થાને ત્રિ-દિવસીય ‘૬ઠ્ઠી ઓલ ઇન્ડિયા પ્રિઝન ડ્યુટી મીટ- 2022’નો ઉદઘાટન સમારંભ યોજાશે. ૬ઠ્ઠી ઓલ ઇન્ડિયા પ્રિઝન ડ્યુટી મીટ- ૨૦૨૨માં ૧૯ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના ૧૦૩૧ જેલ અધિકારીઓ-કર્મચારીઓ વિવિધ ૧૮ સ્પર્ધાઓમાં સહભાગી બનશે.
એકા ક્લબ, ટ્રાન્સટેડિયા સ્ટેડિયમ ખાતે 4 સપ્ટેમ્બરથી શરૂ થનાર ૬ઠ્ઠી ઓલ ઇન્ડિયા પ્રિઝન ડ્યુટી મીટ- ૨૦૨૨ના ઉદ્ઘાટન પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ ગૃહરાજ્ય મંત્રી હર્ષભાઈ પણ સંઘવી ઉપસ્થિત રહેશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે ૬ સપ્ટેમ્બરે સમાપન સમારોહ યોજાશે અને વિજેતા ખેલાડીઓને ટ્રોફી એનાયત કરાશે.
ગુજરાત રાષ્ટ્રીય કક્ષાની આ મીટનું ફરી એક વાર યજમાન બનવાનું છે. ૨૦૧૬માં તેલાંગણા ખાતે આ મીટનું આયોજન થયું હતું. આ વખતે આ ગુજરાતમાં યોજાઇ રહી છે, ત્યારે અમે આ મીટને લઇને તમામ પ્રકારના આયોજનની તૈયારીઓ શરૂ કરી દીધી છે.
– આ ૧૮ પ્રકારની સ્પર્ધાઓ યોજાશે
આ મીટમાં કુલ ૧૮ પ્રકારની સ્પર્ધાઓ યોજાશે. જેમાં ક્વિઝ કોમ્પિટિશન, અનઆર્મ્ડ કોમ્બેટ, ફર્સ્ટ એડ કોમ્પિટિશન, હેલ્થ કેર કોમ્પિટિશન, કોમ્પ્યુટર એન્ડ ટેક્નોલોજી કોમ્પિટિશન, વન મિનિટ ડ્રિલ કોમ્પિટિશન, પ્રિઝન બિઝનેસ મોડલ કોમ્પિટિશન, ફાઇન આર્ટસ એન્ડ મ્યુઝિક કોમ્પિટિશન, પ્રિઝન હાઇઝિન કોમ્પિટિશન, બેસ્ટ પ્રેક્ટિસ કોમ્પિટિશન, પ્રોબેશન ઓફિસર, મેડિકલ ઓફિસર એન્ડ વેલફેર ઓફિસર કોમ્પિટિશનનો સમાવેશ થાય છે.