ભારતમાં કોરોના સામેના જંગમાં આખરે મહત્વનો પડાવ આવ્યો છે. 10 દિવસ પહેલાં મોદી સરકારે કોરાનાની સ્વદેશી વેકસીનના ઉપયોગને મંજૂરી આપ્યા બાદ 16 જાન્યુઆરીથી દેશમાં રસીકરણ ઝુંબેશનું આયોજન કરાયું હતુ. આ માટે દેશભરમાં તૈયાર કરાયેલા ૩,૦૦૬ વેક્સિન સેન્ટર ખાતે કોરોના રસીકરણનો કાર્યક્રમ ગોઠવાયો છે. ભારતમાં ઉત્પાદિત બે રસી કોવિશીલ્ડ અને કોવેક્સિન રસીના ૧ કરોડ ૬૫ લાખ ડોઝ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં પહોંચી ગયો છે. રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને ૧૦ દિવસ રસીકરણનો કાર્યક્રમ ચાલુ રાખવા તાકીદ કરાઈ છે.
સરકારે રસીકરણ અને કો-વિન સોફ્ટવેર અંગેની માહિતી માટે હેલ્પલાઇન ૧૦૭૫ પણ શરૃ કરી છે. સાથે જ કો-વિન આઇટી પ્લેટફોર્મ પણ તૈયાર કરાયું છે. હાલમાં આ એપનો ઉપયોગ ફક્ત રાજ્ય અને કેન્દ્ર સરકાર જ કરી શક્શે. એક મહિનામાં સામાન્ય જનતાને કો-વિન પ્લેટફોર્મ વેબસાઇટ અને મોબાઇલ એપ સ્વરૂપે ઉપલબ્ધ કરાવાશે. આજથી દેશના ૩,૦૦૦ જેટલાં વેક્સિન સેન્ટર પર રોજના ૧૦૦ વ્યક્તિને કોરોનાની રસી અપાશે. મોદીના હસ્તે રસીકરણના આરંભ સમયે દેશની ૬૦ હોસ્પિટલને વીડિયો કોન્ફરન્સિંગ ફેસિલિટીથી જોડી દેવાશે.
આ દરમિયાન રસીનો ડોઝ મેળવનારા કેટલાંક આરોગ્ય કર્મી સાથે પીએમ સીધી વાત કરશે. પ્રથમ તબક્કામાં સરકારી અને પ્રાઇવેટ સેક્ટરના ડોક્ટર, નર્સ, ટેક્નિશિયન, લેબ વર્કર્સ, આઇસીડીએસ વર્કર્સ સહિતના ૧ કરોડ આરોગ્ય કર્મચારીને રસીના ડોઝ અપાશે. ત્યારબાદ રાજ્ય અને કેન્દ્રના પોલીસ કર્મચારી, સશસ્ત્ર દળો, હોમ ગાર્ડ, જેલ કર્મચારી, ડિઝાસ્ટર મેનેજમેન્ટના કર્મચારી, સિવિલ ડિફેન્સ, મ્યુનિસિપલ કર્મચારી, રેવન્યૂ કર્મચારી સહિતના બે કરોડ ફ્રન્ટલાઇન વર્કર્સને રસી આપવાનું આયોજન છે. જે બાદ ૫૦ વર્ષથી ઉપરના નાગરિકો અને ગંભીર બીમારીથી પીડાતા ૫૦ વર્ષથી ઓછી વયના ૨૭ કરોડ નાગરિકોને બીજા તબક્કામાં લાભ અપાશે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો. હર્ષ વર્ધને કાર્યક્રમ વિશે કહ્યું હતુ કે, ૮૦ ટકા ભારતીયો કોરોનાની રસી મેળવવા ઇચ્છે છે. કો-વિન એપનું સેલ્ફ રજિસ્ટ્રેશન મોડયૂલ ટૂંકસમયમાં સાર્વજનિક કરાશે. વેક્સિન પ્રોસેસ માટે કો-વિન એપ પર રજિસ્ટ્રેશન ફરજિયાત રહેશે. હાલ ચૂંટણી પંચ સરકારને રસીકરણ માટે મતદાર યાદીની વિગતો આપશે. જેના થકી વરિષ્ઠોને શોધવામા મદદ મળશે. શુક્રવારે દેશમાં કોરોનાના ૧૫,૫૯૦ કેસ નોંધાયાં હતા. જયારે ૧૫,૯૭૫ દર્દી રિકવર થયા હતા. આ જ સમયગાળામાં કોરોનાની સારવાર લઈ રહેલા ૧૯૧ દર્દીઓએ દમ તોડી દીધો હતો. દેશમાં હજી પણ કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા ૨,૧૩,૦૨૭ છે.