ઘાનાથી પેરિસના રસ્તે નવી દિલ્હી જવા નીકળેલી એર ફ્રાંસની ફ્લાઇટમાં રવિવારે બનેલી એક ઘટનાથી પ્રવાસીઓ તથા સ્ટાફમાં ખળભળાટ મચી ગયો હતો. સુત્રોના જણાવ્યા મુજબ એર ફ્રાન્સનું એક પ્લેન રવિવારે તેના નિર્ધારિત સમયે ધાનાથી દિલ્હી જવા નીકળ્યું હતુ. આ પ્લેન વાયા પેરીસ થઈને ભારત આવવા નીકળ્યું હતુ. આ દરમિયાન આ ફ્લાઇટમાં સવાર એક ભારતીય પ્રવાસીએ તોફાન મચાવ્યું હતુ. આ પ્રવાસીની માંગ હતી કે, પ્લેનને બુલ્ગારિયાની રાજધાનીમાં આપાત લેન્ડીંગ કરાવવામાં આવે. બુલ્ગારિયાના મીડિયામાં પ્રસિદ્ધ અહેવાલોમાં લખાયું છે કે, ધાનાથી પેરીસના રસ્તે ભારત જવા નીકળેલી ફલાઈટમાં નિયમ મુજબ પ્રવાસીઓને બેસાડાયા હતા. પ્લેનએ તેના નિર્ધારિત સમયપત્ર પ્રમાણે જ ઉડાન ભરી હતી.
જે બાદ તેમાં સવાર એક યુવકે હંગામો મચાવ્યો હતો. આ યુવક ભારતીય નાગરિક હોવાનું જાણવા મળ્યું છે. ફલાઈટમાં યુવકના હંગામા બાદ સ્ટાફે પાયલટને જાણ કરીને બુલ્ગારિયાની રાજધાની સોફિયામાં ફ્લાઇટનું ઇમરજન્સી ઉતરાણ કરાવાયું હતુ. આરોપી ભારતીય નાગરિકની ઓળખ જાહેર કરાઈ નથી. આમ છતાં તેને 72 કલાક માટે કસ્ટડીમાં મોકલી દેવાયો છે. સુત્રોના જણાવ્યા મુજબ ફ્લાઇટના ટેકઓફ બાદ આરોપીને અન્ય એક પેસેન્જર સાથે ઝઘડો થયો હતો. જે બાદ તે યુવકે સતત હંગામો શરૃ કરી દીધો હતો. પ્લેનમાં હાજર સ્ટાફ દ્વારા યુવકને સમજાવવાનો વારંવાર પ્રયાસ કરાયો હતો. છતાં સ્થિતિ થાળે પડતી ન હતી. યાત્રીએ કૉકપીટના દરવાજાને પણ ધક્કો માર્યો હતો, આરોપીએ ફ્લાઇટ એટેડેંટ સાથે પણ ગેરવર્તન કર્યું હતું. આખરે બુલ્ગારિયાની રાજધાની સોફિયામાં વિમાનનું ઉતરાણ કરાયું હતુ.
જે બાદ યુવક યાત્રીને પોલીસે અટકમાં લઈ લીધો હતો. અને ફ્લાઇટને પોતાના નિર્ધારિત રૂટ પર રવાના કરાયું હતુ. બુલ્ગારિયા સ્થિત ભારતીય દુતાવાસને પણ આ અંગે જાણ કરી દેવાઈ હતી. આ પ્રકરણ બાદ આરોપી ભારતીય નાગરિકને કોર્ટ તરફથી વકીલ અને ટ્રાંસલેટરની વ્યવસ્થા કરાઈ હતી. જો આરોપી હવે કોર્ટમાં દોષી ઠરે તો આરોપીને દસ વર્ષ કેદની સજા થઇ શકે છે.