ભારતમાં હજુ કોરોનાની બીજી લહેરની ઝડપ ઘટી રહી છે, ત્યાં જ હવે કોરોનાની ત્રીજી લહેર અંગે ચર્ચા પણ શરૂ થઇ ગઇ છે. ત્રીજી લહેર આવશે જ એવું ઘણા નિષ્ણાંતો કહી રહ્યા છે. જો કે બીજી લહેર જે રીતે ઘણી ઘાતક રહી છે, એ જોતાં ત્રીજી લહેર વધુ ઘાતક રહેશે એવું ઘણાનું અનુમાન છે, તેથી પણ ત્રીજી લહેર ખાસ્સી ચર્ચામાં રહી છે. એવી સંભાવના છે કે ઓગષ્ટ સુધીમાં કોરોનાની ત્રીજી લહેર આવી શકે છે. સપ્ટેમ્બરમાં તે પીક પર હશે. ભારતીય સ્ટેટ બેન્કે તૈયાર કરેલા એક રિપોર્ટમાં અનુમાન કરાયું છે. સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાની કોવિડ 19 : રેસ ટુ ફિનિશિંગ લાઇન રિસર્ચ રિપોર્ટમાં કહેવાયું છે કે હાલના આંકડા અનુસાર ભારતમાં જુલાઇના બીજા અઠવાડિયાની આસપાસ દરરોજ 10 હજાર કોરોનાના કેસ નોંધાઇ શકે છે.જો કે કેસ ઓગષ્ટના બીજા પખવાડિયા સુધી વધી શકે છે. યાદ રહે કે બીજી લહેર 7 મેએ પીક પર હતી, જ્યારે ચાર લાખથી વધુ કોરોનાના કેસ નોંધાયા હતા.
રિસર્ચમાં કહેવાયું છે કે અનુમાન રૂઝાન પર આધારિત છે. વૈશ્વિક ડેટા પરથી જાણવા મળે છે કે સરેરાશ ત્રીજી લહેર દરમ્યાન કોરોનાના કેસ બીજી લહેર કરતાં લગભગ બમણા કે 1.7 ઘણા વધારે હોઇ શકે છે. મોટા ભાગના નિષ્ણાંતોનો મત છે કે દેશમાં ત્રીજી લહેર આવી શકે છે. જુન મહિનામાં પ્રકાશિત સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના એક રિપોર્ટમાં કહેવાયું હતું કે સંભવિત ત્રીજી લહેર બીજી લહેર જેટલી ગંભીર હોઇ શકે છે. જો કે એમ પણ કહેવાયું છે કે સંક્રમણની સંખ્યા બીજી લહેરને કારણે ઓછી પણ હોઇ શકે છે. ભારતમાં કોવિડ 19ની બીજી લહેર એપ્રિલ અને મેમાં પીક પર હતી. દેશે એ સમય દરમ્યાન કેટલાય દિવસો સુધી દૈનિક સંક્રમણ અને કોરોનાને કારણે મૃત્યુની સંખ્યા વિક્રમસર્જક જોઇ છે. આ દરમ્યાન દેશને ઓક્સિજનની અછતનો પણ સામનો કરવો પડ્યો હતો. જો કે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો દ્વારા અમલી કરાયેલા નિયંત્રણોને કારણે દૈનિક કેસોમાં ઘટાડો આવ્યો છે. કેન્દ્રિય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના મતે છેલ્લા 24 કલાક દરમ્યાન ભારતમાં કોરોનાના નવા 39796 કેસો નોંધાયા છે, તો 723 દર્દીઓના મોત થયા છે.