ભારતમાં સમાજસેવી ભાવના હજી પણ જીવંત છે. વર્ષોથી ભારતીય સંસ્કૃતિમાં જનસેવાને પણ મહત્વ અપાતુ રહ્યું છે. ભૌતિકવાદ, ભ્રષ્ટાચારોના વ્યાપ્ત છતાં હજી પણ કેટલાક કિસ્સામાં માનવતા જીવંત રહેવાના પુરવા મળતા રહ્યા છે.
દુનિયાભરમાં એવા ઘણા લોકો છે જે ગરીબ અને જરૂરિયાતમંદ લોકોની મદદ કરવા કાયમ માટે તત્પર રહેતા હોય છે. તેઓ પોતાની યથાશક્તિ પ્રમાણે જરૃરિયાતમંદોને મદદ કરે છે. જેમાં કેટલાક લોકો તો પોતાની પાસે ઓછી રકમ હોવા છતાં તેમાંથી પણ બીજાને મદદ કરવાની ઈચ્છા ફળીભૂત કરતા રહે છે. ભારતમાં પોલીસની છબી સામાન્ય લોકોના મગજમાં દંડ, કાર્યવાહી, આંટીઘૂટી કે પછે મારપીટની રહી છે.
લોકોના મનમાં પોલીસ એટલે ભ્રષ્ટાચારી તરીકેની છબી પણ ઉભી થતી હોય છે. જો કે, ગણ્યા ગાંઠ્યા લોકોને કારણે આખુ પોલીસ તંત્ર પણ વગોવાતુ રહે છે. પરંતુ કાદવની વચ્ચે કમળ ખીલે છે તે યુક્તિને કેટલાક પોલીસકર્મચારીઓ સાર્થક કરી રહ્યા છે. આંધ્ર પ્રદેશના કે.કે. કૃષ્ણમૂર્તિ નામના પોલીસ કર્મચારી પણ સેવાભાવનાને ઉજાગર કરનાર વ્યક્તિ છે. તે પોતાના દરેક મહિનાની સેલેરીમાંથી એક હિસ્સો ગરીબોને મદદ કરવા પાછળ વાપરી નાંખે છે.
પાર્વતીપુરમ નગર પોલીસ સ્ટેશનમાં હેડ કોનસ્ટેબલ તરીકે ફરજ બજાવતા કૃષ્ણમૂર્તિ શ્રીકાકુલમ જિલ્લાના વીરગટ્ટમ મંડળના કોટ્ટુગુમદા ગામના રહેવાસી છે. તેઓ પહેલાથી જ સેવાભાવનાવાળા છે. પોતાને ફરજ બદલ જે કંઈ મહેનતાણું મળે છે તેમાંથી તેઓ જરૃરિયતમંદોની સેવા માટે પણ હિસ્સો રાખે છે. જેમાં તેઓ પોતાના ગામ તથા આજુબાજુના ગામમાં રહેનારા જરૂરિયાતમંદ લોકોને અનાજ અને કપડાં આપે છે. શિયાળાની સીઝન હોય તો જરૃરિયાતમંદ વૃદ્ધોમાં ધાબળાનું વિતરણ પણ તેઓ કરે છે. દર મહિને કૃષ્ણમૂર્તિ 30 એવા લોકોને પસંદ કરે છે, જેમને અનાજ અને કપડાંની આવશ્યકતા હોય.
હાલમાં વધતી ઠંડીને કારણે તેનો ધ્યેય ગરીબ અને બેઘર લોકોમાં ગરમ કપડાં વહેંચવાનું છે. આ કામ માટે તે દર મહિને પોતાની સેલેરીમાંથી 10 હજાર અલગ કરે છે. 2017ના વર્ષથી તેઓ ગરીબોની મદદ કરી રહ્યા છે. તેણે છેલ્લા બે મહિનાથી પોતાની આસપાસના ગામ અને પાર્વતીપુરમમાં 60 ધાબળા વહેંચ્યા છે. કૃષ્ણમૂર્તિ કહે છે કે, મેં બાળપણમાં મારા દાદા-દાદીને ગરીબ અને જરૂરિયાતમંદ લોકોની મદદ કરતા જોયા હતા. તેથી મને આ સારા કામ કરવાની પ્રેરણા મારા દાદા-દાદી પાસેથી મળી છે. આ સારા કામની શરૂઆત પોલીસ વિભાગ સાથે જોડાયા પછી કરી છે. કૃષ્ણ મૂર્તિની માસિક સેલેરી 45 હજાર રૂપિયા છે, જેમાંથી દર મહિને તે 10 હજાર રૂપિયા ગરીબોને મદદ કરવા અલગ કરી દે છે.