ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ચૂંટણી યોજાયા બાદ અપેક્ષા પ્રમાણે કોરોનાનો રાફડો ફાટી નીકળ્યો છે. મંગળવારે 1700થી પણ વધુ કેસ નોંધાવા સાથે ચાર દર્દીના મોત થતાં સરકારી તંત્ર મૂંઝવણમાં મુકાઈ ગયું છે. સંક્રમણને થાળે પાડવા સરકાર અને આરોગ્ય ખાતા દ્વારા કોવિડ 19 ની માર્ગદર્શિકાનુ કડકપણે પાલન કરવા અપીલ કરાઈ રહી છે. જો કે, આમ છતાં આગામી મહિને રાજ્યમાં કોરોનાના કેસમાં ભારે ઉછાળો આવવાની સંભાવના છે. રાજકોટ પંથકમાં કોરોનાના કેસમાં આવેલા ઉછાળાને પગલે જિલ્લા કલેકટર રેમ્યા મોહન અને IMA વચ્ચે એક બેઠક યોજવામાં આવી હતી. જેમાં રાજકોટના નવા ચૂંટાયેલા કોર્પોરેટરો તેમજ મહાનગર પાલિકાના પદાધિકારીઓ સાથે ધારાસભ્યો અને સાંસદની હાજરી રહી હતી. દરમિયાન રાજકોટ IMA પ્રમુખ ડૉ.જય ધીરવાનીએ રાજ્યમાં હજી પણ કોરોનાના કેસ વધવાનુ તારણ રજૂ કર્યું હતુ.
ડૉ. ધીરવાનીએ જણાવ્યું છે કે, હાલ રાજ્યમાં કોરોના વાયરસનું સંક્રમણ વધ્યું છે. પરંતુ એપ્રિલ માસમાં કોરોના કેસનો ગ્રાફ હજી પણ ઉંચે જશે. જયારે હાલ કરતા પણ વધુ દર્દીઓ વાયરસનો ભોગ બનશે. મેં મહિના બાદ રાજ્યમાં ધીમે ધીમે કોરોનાના કેસ ઘટવા માંડશે. મળતી વિગતો મુજબ રાજકોટમાં કોરોનાના કેસમાં થયેલા વધારાને પગલે મનપા અને કલેક્ટરાલય ચિંતિત બન્યું છે. વિસ્તારમાં કોઈપણ પ્રકારે વાયરસના સંક્રમણને રોકવા બંને તંત્ર સાથે મળીને કામ કરવા કટિબદ્ધ છે. મંગળવારે બપોર સુધીમાં રાજ્યમાં નવા 50 કોરોનાગ્રસ્ત સામે આવ્યા હતા.
રાજકોટ મ્યુનિસિપલની હદમાં અત્યાર સુધીમાં કુલ 17773 સંક્રમિતો નોંધાયા છે. જયારે અલગ અલગ હોસ્પિટલમાં 484 દર્દી સારવાર હેઠળ છે. રાજકોટમાં 24 કલાકમાં બે દર્દીના મોત નીપજ્યા હતા. હવે રાજકોટના કલેક્ટર અને IMA વચ્ચે યોજાયેલી બેઠકમાં તજજ્ઞના ચોંકાનારા નિવેદને ભારે ચિંતા ફેલાવી છે. કલેકટર સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ દ્વારા રાજકોટમાં કોરોના કેસની પરિસ્થિતિને પહોંચી વળવા માટે એક ખાસ રણનીતિ તૈયાર કરવાનું શરૃ કરાયું છે.