પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો થઇ રહ્યો છે. જો કે દરરોજ એ વધારો ઓછા પૈસામાં થતો હોવાને કારણે તમારા વાહનમાં કેટલું ઓછું બળતણ ભરાય છે, તેનો અંદાજ આવતો નથી. આ ભાવ વધારાને કારણે વાહન ચાલકોના ખીસ્સાને બોજો વધી રહ્યો છે, તો બીજી તરફ પરોક્ષ મોંઘવારી પણ તેને કારણે વધી રહી છે. પેટ્રોલના ભાવમાં 29 જુને લિટરે 35 પૈસા અને ડીઝલના ભાવમાં લિટરે 28 પૈસાનો વધારો થયો છે.
આજે થયેલા પેટ્રોલના ભાવ વધારાને કારણે દેશના 45 ટકાથી વધુ જિલ્લાઓમાં પેટ્રોલનો ભાવ 100 રૂપિયાને પાર કરી ગયો છે. દેશમાં સૌથી મોંઘુ પેટ્રોલ રાજસ્થાનના શ્રીગંગાનગરમાં મળે છે. અહીં પેટ્રોલનો ભાવ લિટરે 110 રૂપિયા પાર કરી ગયો છે, જ્યારે ડીઝલનો ભાવ લિટરે 102 રૂપિયા થયો છે. દેશના મહાનગરોની વાત કરીએ તો મુંબઇ બાદ હવે ચેન્નાઇ એવું બીજું મહાનગર છે, જ્યાં પેટ્રોલના ભાવ 100 રૂપિયા ઉપર પહોંચી ગયો છે. મુંબઇમાં પેટ્રોલનો ભાવ લિટરે 104.90 રૂપિયા છે, જ્યારે ચેન્નાઇમાં 99.80 રૂપિયા છે. દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 98.81 રૂપિયા અને કોલકાતામાં 98.64 રૂપિયા છે.
દેશમાં 4 મે પછી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો થઇ રહ્યો છે. અત્યાર સુધીમાં 32 વખત પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે. જ્યારે ઘટાડો ફક્ત 4 જ વખત થયો છે. એમ તો સરકાર એવો બચાવ કરતી રહે છે કે આ ભાવ વધારો આંતરરાષ્ટ્રીય ક્રૂડના ભાવ સાથે જોડાયેલો છે, તેથી તેના ભાવ અંકૂશ સરકારના હાથમાં નથી. પરંતુ જ્યારે ક્રૂડના ભાવ ઓછા હતા, ત્યારે પણ ભાવ વધ્યો જ હતો, એ વખતે આંતરરાષ્ટ્રીય ક્રૂડના ઓછા ભાવનો લાભ લોકોને કેમ ન મળ્યો ? દિલ્હીને બાદ કરતાં તમામ મહાનગરોમાં ડીઝલના ભાવ લિટરે 90 રૂપિયાને પાર કરી ગયા છે. દિલ્હીમાં ડીઝલના ભાવ લિટરે 89.18 રૂપિયા છે, જ્યારે મુંબઇમાં 96.72 રૂપિયા, કોલકાતામાં 92.03 રૂપિયા અને ચેન્નાઇમાં 93.72 રૂપિયા ઉપર પહોંચ્યો છે.