અંતરિક્ષ ક્ષેત્રમાં સંશોધનો કરવામાં સદાય અગ્રેસર રહેલી અમેરિકન સ્પેસ એજન્સી નાસાએ ફરી એક સિદ્ધી મેળવી છે. તેણે મોકલેલા રોવરે મંગળ ગ્રહનું પહેલું રેકૉર્ડિંગ સંશોધકોને મોકલ્યું છે. જો કે, આ વીડિયો માત્ર 10 સેકન્ડનો છે. જેમાં મંગળગ્રહ પર થતી ગતિવિધિનો ઘણો ઓછો અવાજ સાંભળવા મળ્યો છે. વળી, નાસાએ આ વીડિયો કોઈ પણ ખચકાટ વગર દુનિયા સાથે શેર પણ કર્યો છે. નાસાએ મેળવેલા આ ઑડિયો અને વીડિયોથી લાલ ગ્રહ વિશે માનવજગતને વધુ વિગતો મળશે. રોવરે મોકલેલા વીડિયોમાં મંગળગ્રહ પર ઉતરાણ અને ત્યારબાદની સમગ્ર પ્રક્રિયાને નિહાળી નાસાના સંશોધકો તથા કર્મચારીઓમાં ખુશીનો પાર રહ્યો ન હતો. જે બાદ નાસાએ દાવો કરતા કહ્યું હતુ કે, માર્સ પર લેન્ડિંગનો વિડીયો અને તસવીરો લેવામાં આવી છે. આ ઘટના ઈતિહાસમાં પહેલીવખત બની છે.
મંગળ ગ્રહ પર ઉતરાણ વેળાની 23000 તસવીરો રોવરમાં મુકાયેલા કેમેરાએ ખેંચી છે. રોવરે પેરાશૂટની મદદથી મંગળ ગ્રહની લાલ ધરતી પર ઉતરાણ કર્યું હતુ. આ વેળાની એક-એક ક્ષણ કેમેરામાં કેદ થઈ છે. નાસાએ 2 મહિના પહેલા જ મોકલેલું યાન મંગળ પર પહોંચ્યું હતુ. જે બાદ તેના રોવરે ત્યાં ઉતરાણ કર્યું હતુ. રોવરમાં નાસાએ પહેલાથી જ અત્યાધુનિક કેમેરા ફીટ કરેલા છે. તેથી કેમેરાએ પહેલીવાર દુનિયાને બતાવ્યું છે કે, મંગળ ગ્રહ ઉપર કઈ રીતે લેન્ડિંગ થાય છે. નાસાએ મેળવેલો બીજી વિડીયો 3 મિનિટ 25 સેકન્ડનો છે. જેમાં ત્રણ ફ્રેમ જોઈ શકાય છે. જેમાં રોવરે મંગળપર કરેલી ઉતરાણ પ્રક્રિયાને સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. મંગળ ગ્રહની સપાટી ઉબડ-ખાબડ છે. સપાટી પર વચ્ચે-વચ્ચે મોટા ખાડા પણ જોવા મળી રહ્યા છે. વીડિયોમાં હીટ શીલ્ડ અને પેરાશૂટને પણ જોઈ શકાય છે. 4 દિવસ પહેલા એટલે કે 19 ફેબ્રુઆરીએ પર્સિવરેંસ રોવર ધરતીથી ટેકઑફ કર્યાના સાત મહિના બાદ સફળતાપૂર્વક મંગળ ગ્રહ પર લેન્ડ થયું હતુ. 25 કેમેરાવાળા પર્સિવરેંસ રોવરે અલગ-અલગ એન્ગલોથી મંગળની લાલ કાંકરીવાળી ધરતીના ફોટા પાડ્યા હતા. મંગળ ગ્રહની સપાટીની આટલી નજીકનો વિડીયો પહેલીવાર ધરતી સુધી પહોંચ્યો છે. રોવરમાં એક હેલીકોપ્ટર છે, જેને ઈન્જેન્યુટી નામ અપાયું છે. આ રોવર મંગળ ગ્રહ પર ઉતર્યા બાદ નાસાના વર્ષ 2006માં મોકલવામાં આવેલા ઑર્બિરટરની મદદથી પોતાનો ડેટા અને તસવીરો મોકલી રહ્યું છે.