નવસારી જિલ્લાના બીલીમોરા શહેરના ગૌહરબાગ વિસ્તારમાં ગત મધ્યરાત્રીના સમયકાળ દરમ્યાન કલ્પના ફ્લાવર નામની દુકાનમાં રાત્રે અગમ્ય કારણોસર આગ લાગી હતી. ત્યારે દુર્ભાગ્ય દુકાનમાંથી ગેસના બોટલમાં ધડાકાભેર બ્લાસ્ટ થયો હતો અને જેને પગલે ત્યાં આગ જોવા ઉભા રહેલા લોકો પૈકી એક યુવાન ઉપર બ્લાસ્ટ બાદ ઉછળેલા કાટમાળ માથાના ભાગે ગંભીર રીતે વાગતા યુવાનનું સ્થળ પરજ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.
કાળ ક્યારેક માનવીના નસીબમાં એવા પ્રકારની મોત લખી નાખતો હોય છે કે કોઈપણ આશ્ચર્ય પામે. બીલીમોરા શહેરમાં પણ કાંઈક આવા જ પ્રકારની ઘટના બની હતી. મોડી રાત્રે લાગેલી આગ જોવા ગયેલા યુવકને કાળ ભરખી ગયો હતો. બીલીમોરા શહેરના ગૌહરબાગ વિસ્તારમાં એલએમપી સ્કૂલની સામે આવેલ કલ્પના ફ્લાવર નામની દુકાનમાં કામ કરતો એક કર્મચારી દુકાનમાં જ રસોઈ બનાવતો હતો જે ગત રાત્રીએ તેના નિત્યક્રમ મુજબ રસોઈ કરીને જમીને દુકાન બંધ કરી કારીગર અન્યત્ર રહેવા માટે જતો હતો. ત્યારે અચાનક જ રાત્રે 1 થી 1:30 વાગ્યાના સુમારે દુકાનમાંથી કોઈક કારણસર આગના ગોટેગોટા નીકળતા લોકોએ જોયા હતા. ત્યારે આગ જોવા માટે આંતલીયા જીઆઈડીસી રોડ પર રહેતા ૩૩ વર્ષીય શશીકાંતભાઈ પટેલ કે જે સચિન ખાતે ફાર્મસી કંપનીમાં નોકરી કરતા શશીકાંત પરસોતમભાઈ પટેલ પોતાના મિત્રને મળવા રાત્રે તેના ઘરે ગયા હતા. ત્યાંથી પરત ફરતી વખતે આગ જોવા માટે રોડની બીજી બાજુ ઊભા હતા તે દરમ્યાન કાળ બની ગેસનો બાટલો ફાટ્યો હતો અને તેનો લોંખડનો કાટમાળ શશીકાંતભાઈના માથામાં વાગતા સ્થળ પર જ કમાટી ભર્યું તેમનું મોત નિપજ્યું હતું.
આ સમગ્ર મામલે બીલીમોરા પોલીસે તપાસ હાથ ધરી છે. હાલમાં ઘટના સ્થળ ઉપર FSL અને વીજળી વિભાગના અધિકારીઓ આવીને આગના કારણે તપાસ શરૂ કરી છે. હજી સુધી આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી.