કોરોના સામેના જંગમાં વેકસીનેશનમાં સૌથી વધુ કામગીરી કરનારા ભારતને માથે ફરી એક ચિંતા ખડકાઈ છે. યૂકે વેરિયન્ટ બાદ હવે દક્ષિણ આફ્રિકન અને બ્રાઝીલના વેરિયન્ટવાળા ચાર દર્દી ભારતમાં મળ્યા છે. ઘટનાને પગલે આોગ્ય વિભાગમાં ફરી દોડધામ મચી ગઈ હતી. બીજી તરફ ચાર નવા પ્રકારના વાયરસવાળા દર્દી મળ્યા બાદ ભારતમાં યૂકેથી આવનારા મુસાફરો માટે આરટી-પીસીઆર પરીક્ષણ અનિવાર્ય કરાયું છે. અત્યાર સુધીમાં જે લોકો કોરોના પોઝિટિવ આવ્યા છે તેમનો જીનોમ સિક્વિસિંગ કરવામાં આવી રહ્યો છે. ICMRના મહાનિર્દેશક બલરામ ભાર્ગવે વિગતો આપતા મીડિયાને જણાવ્યું હતુ કે, ફેબ્રુઆરીના પહેલા અઠવાડિયામાં લેવાયેલા સેમ્પલોની તપાસ કરાઈ હતી. જેમાં SAS-CoV-2ના બ્રાઝીલ વેરિયન્ટ ધરાવતો વાયરસ મળી આવ્યો છે. હવે ભારતમાં દેખાયેલા આ સ્ટ્રેનવાળા વાયરસ પર બાયોટેક અને સીરમ દ્વારા બનાવાયેલી વેક્સિનની અસરકારકતા જાણવા પ્રયોગો ચાલી રહ્યા છે. દક્ષિણ આફ્રિકન અને બ્રાઝીલિયન વેરિએન્ટ આ પહેલા બ્રિટનમાં મળેલા કોરોનાના નવા સ્ટ્રેનથી જુદા છે. બલરામ ભાર્ગવે વધુમાં ઉમેર્યું કહ્યું કે, દક્ષિણ આફ્રિકાથી ભારત પરત આવેલા 4 નાગરિકોમાં જ દક્ષિણ આફ્રિકન સ્ટ્રેનની પુષ્ટિ તેમના સેમ્પલના પરિક્ષણ વેળા થઈ છે. આ ઘટના બાદ આરોગ્ય વિભાગે તે ચાર મુસાફર સાથે મુસાફરી કરનારા તમામ તથા તે પછી ભારતમાં તેમના સંપર્કમાં આવેલા લોકોનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. હાલ તે તમામને ક્વોરન્ટાઇન કરી દેવાયા છે. દરમિયાન બ્રાઝીલયન વેરિયન્ટથી પણ જોડાયેલો એક કેસ નોંધાયો છે. યૂકે વેરિયન્ટના અત્યાર સુધી દેશમાં 187 કેસ છે. તમામ પોઝિટિવ કેસવાળા દર્દીઓને ક્વોરન્ટાઇન કરાયા છે. ભારતમાં ઉપલબ્ધ વેક્સિનમાં વાયરસના યૂકે વેરિયન્ટને પણ નિષ્ક્રિય કરવાની ક્ષમતા છે. ICMR-NIV પુણેમાં વાયરસ સ્ટ્રેનને દૂર કરવામાં સફળતા મેળવાઈ છે.