અફઘાનિસ્તાનના ટી-20 ટીમના કેપ્ટન રાશિદ ખાન હવે પોતાના નિવેદન અને વિશ્વ નેતાઓને કરેલી અપીલને લઇને મુશ્કેલીમાં મુકાઇ ગયો છે. રાશિદ ખાને પોતાની ટ્વિટમાં વિશ્વના નેતાઓને એવી અપીલ કરી હતી કે અફઘાનિસ્તાનને બચાવવવામાં મદદ કરે. એક અહેવાલ મુજબ રાશિદ ખાનને ક્રિકેટ ટીમના કેપ્ટનપદેથી હટાવવામાં આવી શકે છે. અફઘાનિસ્તાન પર તાલિબાનના ખતરા વચ્ચે રાશિદ ખાન લાચાર લાગી રહ્યો છે. તેમનો પરિવાર હાલમાં અફઘાનિસ્તાનમાં છે જ્યારે તે પોતે હાલમાં ઈંગ્લેન્ડમાં હન્ડ્રેડ લીગમાં રમી રહ્યો છે. ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન કેવિન પીટરસને ખુલાસો કર્યો છે કે અફઘાનિસ્તાનનો સ્પિનર રાશિદ ખાન પોતાના દેશની પરિસ્થિતિથી ચિંતિત છે અને પોતાના પરિવારને ત્યાંથી બહાર કાઢી શકતો નથી.
હાલની કટોકટીને કારણે, કાબુલના હમીદ કરઝાઇ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર વિશ્વભરની પેસેન્જર ફ્લાઇટ્સ બંધ કરી દેવામાં આવી છે. રવિવારે તાલિબાને દેશનો કબજો મેળવ્યો હતો, ત્યારબાદ કોઈ પણ ફ્લાઈટ અફઘાન એરસ્પેસ પરથી ઉડી શકે તેમ નથી. અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ગનીએ પણ રાજીનામું આપી દેશ છોડી દીધો છે. પીટરસને સ્કાય સ્પોર્ટ્સને કહ્યું, ત્યાં ઘણી બધી વસ્તુઓ થઈ રહી છે. અમે આ વિશે લાંબી વાતચીત કરી છે અને રશીદ તેના વિશે ચિંતિત છે. તે પોતાના પરિવારને અફઘાનિસ્તાનમાંથી બહાર લઈ જવામાં અસમર્થ છે અને તે તેના માટે ખૂબ જ મુશ્કેલ સમય છે.