ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમ નાથની સુપ્રીમ કોર્ટના જજ તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. કોલેજીયમ દ્વારા જેમના નામની ભલામણ કરવામાં આવી હતી એ 9 નામોમાં જસ્ટિસ વિક્રમ નાથના નામનો સમાવેશ કરવામાં આવ્યો હતો. તેમની તાત્કાલિક અસરથી સુપ્રીમ કોર્ટના જજ તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. જસ્ટિસ વિક્રમ નાથ ઉપરાંત જસ્ટિસ બેલા ત્રિવેદીના નામની પણ કોલેજીયમ દ્વારા ભલામણ કરવામાં આવી હતી.

સુપ્રીમ કોર્ટના કોલેજીયમે વિવિધ હાઇકોર્ટના આઠ ન્યાયમૂર્તિ અને એક સીનિયર એડવોકેટને સુપ્રીમ કોર્ટના જસ્ટિસ તરીકે નિયુક્તિ આપવા ભલામણ કરી હતી. આ નવ નામો પૈકી ગુજરાતના ચીફ જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ બેલાબહેન ત્રિવેદીનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. ચીફ જસ્ટિસ વિક્રમ નાથ મૂળભૂત રીતે અલાહાબાદ હાઇકોર્ટના ચીફ જસ્ટિસ છે અને સપ્ટેમ્બર-૨૦૧૯થી ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે નિયુક્ત કરાયા હતા. જસ્ટિસ બેલાબહેન ત્રિવેદી ફેબુ્રઆરી-૨૦૧૧થી ગુજરાત હાઇકોર્ટમાં ન્યાયમૂર્તિ તરીકે નિયુક્ત છે. જૂન-૨૦૧૧માં રાજસ્થાન હાઇકોર્ટની જોધપુર બેન્ચમાં તેમની બદલી કરવામાં આવી હતી અને ત્યારબાદ ફેબુ્રઆરી-૨૦૧૬માં તેમણે ફરી ગુજરાત હાઇકોર્ટમાં કાર્યભાર સંભાળ્યો હતો.