ભારતમાં સ્વતંત્ર તપાસ એજન્સી કહેવાતી પરંતુ કેટલાક વર્ષોથી રાજકીય પાર્ટી કે સરકારનો હાથ બની રહી હોવાના આક્ષેપોથી સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટિગેશન વારંવાર વિવાદમાં સપડાય રહી છે. યુપીએ સરકાર વખતે અને ત્યારબાદ મોદી શાસનમાં પણ તેની અનેક કાર્યવાહી રાજકીય હેતુ પાર પાડવા હોવાની શંકા ઉઠતી રહી છે. કેટલાક સમયથી CBIમાં નવા ચીફ ડીરેકટરની નિયુક્તિ માટે પ્રક્રિયા ચાલી રહી હતી. આખરે મંગળવારે સીબીઆઇના નવા ડાયરેક્ટર તરીકે સુબોધ જયસ્વાલની વરણી કરવામાં આવી હતી. તેઓ હવે બે વર્ષના સમયગાળા માટે આ પદ પર ફરજ બજાવશે. પ્રમાણિક અધિકારી તરીકે ગણના પામાતા સુબોધ કુમારની આ નિમણુક સાથે સીબીઆઈની કાર્યશૈલીમાં પણ બદલાવની આશા સેવાઈ રહી છે. તેઓ મહારાષ્ટ્ર કેડરના 1985ના બેચના અધિકારી છે. વર્તમાનમાં 1988 બેચના આઇપીએસ અધિકારી અને સીબીઆઇના એડિશનલ ડાયરેક્ટર પ્રવિણ સિન્હા બીસીઆઇ નિદેશકનો પ્રભાર સંભાળી રહ્યા હતા. સિન્હાને આ પ્રભાર ઋષિ કુમાર શુક્લાના સેવાનિવૃત્ત થયા બાદ સોંપાયો હતો.
દરમિયાન સીબીઆઇના નવા ડાયરેક્ટેરની વરણી માટે મંગળવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં ત્રણ સભ્યોની બેઠક મળી હતી. જેમાં વિવિધ મુદ્દાઓની ચર્ચા થઈ હતી. કહેવાય છે કે, સીબીઆઈ વિશે લોકોમાં પ્રવર્તી રહેલી કથિત ગેરમાન્યતાને દૂર કરવા પણ બેઠકમાં ચર્ચા થઈ હતી. બેઠક દરમિયાન સીબીઆઇના નવા ડાયરેક્ટરના પદ માટે કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા બળના મહાનિદેશક સુબોધ કુમાર જયસ્વાલના નામ પર મંજૂરીની મહોર વાગી હતી આ અધિકારી 1985 બેચના ભારતીય પોલીસ સેવ (આઇપીએસ)ના અધિકારી છે. આ પહેલા તેઓએ મહારાષ્ટ્રના પોલીસ મહાનિર્દેશક તરીકે પણ ફરજ બજાવી છે.