મોબાઇલ પર અનેક એપ્સ હવે મળે છે. પ્લે સ્ટોર કે એપલ એપ સ્ટોર પર જાવ એટલે જુદા જુદા પ્રકારની ઢગલો એપ તમે મળી આવે. જો કે એ બધી જ એપ સેઇફ હોય એમ માની શકાય નહીં, એ સંજોગોમાં હાલમાં જ એક હેવાલમાં જણાવાયું છે કે ફેક એપથી 5 લાખ ભારતીયોએ 150 કરોડ રૂપિયા ગુમાવ્યા છે. એ ન્યૂઝ પછી આપણને સૌને રૂપિયા ગુમાવવાનો ડર લાગે. વેલ, તમે કઇ રીતે બચી શકો એ જાણીએ. એમ તો પ્લે સ્ટોર અને એપલ એપ સ્ટોર પર રિવ્યૂ કરાયા બાદ જ ઉપલબ્ધ હોય છે. જો કે માલવેર અને ફેક એપ્સ ઘણી વખત પ્લેટફોર્મ પર આવી જતી હોય છે. આ સંજોગોમાં ઘણા એપલ એપ સ્ટોરને વધુ સેઇફ માને છે. એપલ એપ સ્ટોરમાં એપ મૂકવા માટે ડેવલપરે વેરિફિકેશન પ્રોસેસમાંથી પસાર થવું પડે છે. એમ છતાં પણ આ બંને પ્લેટફોર્મ પર ફેક એપ્સ મળી જ આવતી હોય છે.
એએનઆઇ ન્યૂઝ એજન્સીના રિપોર્ટ અનુસાર ઘણી ફાયનાન્શ્યલ ઇન્વેસ્ટમેન્ટવાળી એપ્સ પર દાવો કરે છે કે તેમની એપ થકી જેઓ નાણાંનું રોકાણ કરશે, તેમને ઊંચું વ્યાજ મળશે. પોતાના નાણાં ઝડપથી વધે એવું મોટા ભાગના રોકાણકારો માનતા હોય છે. એ સંજોગોમાં વળી કોઇને સારો અનુભવ થયો હોય એટલે ઘેંટાની જેમ લોકો ઇન્વેસ્ટ કરી દેતા હોય છે. એમ કરવામાં ઘણાએ પૈસાથી હાથ ધોવાનો વારો આવ્યો છે. દિલ્હી પોલીસના સાયબર સેલે આખા કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો. આ કૌભાંડ પાછળ ચીની કંપનીઓનો હાથ હતો. આ ચીની કંપનીઓ મલ્ટીલેવલ માર્કેટીંગ મોડેલનો ઉપયોગ કરી લોકોને ચુનો ચોપડતી હતી.
હેવાલ મુજબ આ છેતરતી એપ્સમાંથી ઘણી તો એપ્સ ગૂગલ પ્લે સ્ટોર પર લિસ્ટ થયેલી હતી. સવાલ અહીં એ છે કે આ પ્રકારની તમને આર્થિક રીતે નવડાવી જાય એવી એપ્સથી બચવું કઇ રીતે ? ખરેખર તો આર્થિક રોકાણ માટેની એપ્સનું નામ તથા તેના ડેવલપરને સ્ટોર પર ચેક કરવા જોઇએ. કોઇ પણ એપ સર્ચ કરો ત્યારે રિઝલ્ટમાં એક કરતાં વધુ એપ જોવા મળે તો તેના નામ અને ડિટેઇલમાં સ્પેલિંગ મિસ્ટેક જોવા મળશે. એ ઉપરાંત એપનો ડાઉનલોડ નંબર, રેટીંગ અને રીવ્યુ પણ ચેક કરી લેવા જોઇએ. તમે એપની પબ્લિશ તારીખ પણ જોઇ શકો. રિયલ એપ હોય તો તેના પર મોટે ભાગે તમને અપડેટેડ ઓન તારીખ જોવા મળશે. તમે એપના સ્ક્રિનશોટને ચેક કરી શકો છો. ખાસ તો એપ કયા પ્રકારની પરમિશન માંગે છે, તેના પર ખાસ ધ્યાન આપો. જો તે ઘણી બધી પરમિશન માંગે તો એવી એપ જોખમી બની શકે છે. પરમિશન દ્વારા તે તમારા ફોનમાં ઘૂસણખોરી જ કરી દઇ તમારી અનેક વિગતો મેળવી લેતી હોય છે, જે નુકશાન કરી શકે છે. આવી એપને તરત જ મોબાઇલમાંથી ડિલીટ કરી નાંખવી જોઇએ.