ભારતમાં કોરોનાની બીજી લહેરનો હવે લગભગ અંત આવી ગયો હોવાનું મનાય છે. છેલ્લાં 25 દિવસથી કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. જો કે, હવે કોરોનામાં સપડાઈને સાજા થઈ ચૂકેલા લોકોને બીજી કેટલીક બીમારીમાં સપડાવવું પડી રહ્યું છે. આ બાબત અત્યંત ચિંતાજનક છે. તેથી દેશના સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આ બાબતની ગંભીર નોંધ લીધી છે. તાજેતરમાં કોરોના ચેપવાળા દર્દીઓમાં ક્ષય રોગ (ટીબી)ના લક્ષણો જોવા મળ્યા છે. મીડિયાના અહેવાલોમાં કરાયેલા દાવા પ્રમાણે દરરોજ 12 કેસ ટીબીના મળી રહ્યા છે. આ દર્દીઓ એવા હોય છે કે જે થોડા સમય પહેલાં જ કોરોનામાંથી સાજા થયા હોય. ભારતમાં કોરોનાની આફત વચ્ચે વધુ એક સર્જાયેલી સ્થિતિથી ડોક્ટરો પણ ચિતિંત છે. ટીબીના કેસોમાં વધારો કોરોનાને કારણે છે, અથવા કેસ શોધવાના પ્રયત્નોમાં વધારો થવાથી ટીબીના કેસ વધ્યા છે તે અંગે પણ ચોક્કસ તપાસ થઈ રહી છે.
2020માં ભારતમાં માર્ચ મહિનાના અંતમાં કોરોના રોગચાળાની શરુઆત થઈ હતી. જે બાદ અનેક પ્રતિબંધો લાદી દેવાતા દેશમાં સામાજિક અને આર્થિક ગતિવિધિઓ ઠપ થઈ ગઈ હતી. પરિણામે ટીબીના કેસના આંકડા પણ ઘટ્યા હતા. નોટિફિકેશનમાં લગભગ 25% જેટલો ઘટાડો આવ્યો હતો. જો કે, અનલોક સાથે જ રિકવરી રેટ વધવા જેવી સ્થિતિમાં નિંયત્રણો દૂર થયા હતા. આવા સંજોગોમાં કોરોનામાંથી સાજા થયેલા લોકો આ રોગનો શિકાર બનવા માંડ્યા છે. ટીબી અને કોરોના બંને રોગો ચેપી હોવાનું માનવામાં આવે છે અને ફેફસાં પર ખાસ હુમલો કરે છે. ઉધરસ, તાવ અને શ્વાસ લેવામાં મુશ્કેલી જેવા સમાન લક્ષણો રજૂ કરે છે.
રાજ્યો દ્વારા ઓપીડી સેટિંગ્સમાં આ કેસ શોધવામાં આવ્યા છે. હવે એક્ટિવ કેસ ફાઈડિંગ અભિયાનના માધ્યમથી ટીબીનો પ્રભાવ ઓછો કરવા માટે વિશેષ પ્રયાસ કરવાની આવશ્યકતા ઉભી થઈ છે. દરમિયાન આરોગ્ય અને કુટુંબ કલ્યાણ મંત્રાલયે તમામ કોરોના ચેપગ્રસ્ત દર્દીઓ માટે ટીબી પરીક્ષણ અને તમામ ડાયગ્નોસ્ડ કરેલા ટીબી દર્દીઓ માટે કોવિડ પરીક્ષણની ભલામણ કરી છે. આરોગ્ય મંત્રાલયે રાજય સરકાર અને કેન્દ્ર શાસિત પ્રદેશોને લેખિતમાં જણાવાયું છે કે, ઓગસ્ટ 2020 સુધીમાં તે પોત પોતાના પ્રદેશમાં ટીબી તથા કોવિડ-19ના કેસોની તપાસ ગંભીરતાથી કરીને દર્દીઓને રાહત આપે. આ ઉપરાંત, TB-COVID અને TB-ILI/SARIની દ્વિ-દિશાકીય તપાસની આવશ્યકતા છે. તેથી આરોગ્ય મંત્રાલય દ્વારા અનેક સલાહ અને માર્ગદર્શન પણ આપવામાં આવ્યા છે.