સુશાંત અપમૃત્ય કેસ અને 3 સાધુની હત્યા મામલે મીડિયામાં ચકચાર મચાવનારા રિપબ્લિક ટીવીના એડિટર ઇન ચીફ અર્નબ ગોસ્વામીને ફરી સાણસામાં લેવા તખતો તૈયાર કરાઈ રહ્યો છે.
મુંબઈ કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ મુંબઈના બધા પોલીસ સ્ટેશનોમાં તેની વિરુદ્ધ દેશદ્રોહનો કેસ નોંધાવવાની તૈયારી કરવા માંડ્યા છે. શનિવારે ઉત્તર મધ્ય મુંબઇમાં કોંગ્રેસના કાર્યકર્તા સંમેલનમાં મુંબઈ કોંગ્રેસના નવનિયુક્ત અધ્યક્ષ ભાઈ જગતાપે ગૌસ્વામી સામે થનારી આ કાર્યવાહી અંગે જાહેરાત કરી હતી. સંમેલનમાં જગતાપે ફરી એકવાર BMC ચૂંટણી કોંગ્રેસ એકલી જ ચુંટણીલ લડશે તેવી જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતુ કે, સામાન્ય લોકોના મુદ્દા પર કોંગ્રેસ આક્રમક રીતે લડાઈ લડશે. 100 દિવસ ચાલનારું ‘મેરી મુંબઈ, મેરી કોંગ્રેસ’ અભિયાન શરૂ થઈ ચૂક્યું છે. હવે જલદી જ મુંબઈના બધા જિલ્લાઓમાં મહિનામાં એક દિવસે જનતા દરબાર યોજાશે. જેમાં કોંગ્રેસના બધા મંત્રી ભાગ લેશે અને સ્થાનિક સ્તરે જનતાની ફરિયાદોનું નિવારણ કરવા પ્રયાસ કરાશે.
જગતાપે કહ્યું હતું કે, અર્નબ ગોસ્વામી મુંબઈ પોલીસથી બચવા માટે હાલના દિવસોમાં મુંબઈ છોડીને દિલ્હીમાં રહે છે. છેલ્લાં 10 દિવસથી તે વોટ્સએપ ચેટને લઈને ફસાયા છે. દેશની સુરક્ષાને લગતી બાબતો પહેલાથી જ વાયરલ થઈ હતી. મુંબઇમાં તેની વિરુદ્ધ દરેક પોલીસ સ્ટેશનમાં દેશદ્રોહનો કેસ દાખલ થશે તો, મુંબઈ પોલીસ તેને દિલ્હીથી ધરપકડ થઈ શકશે. ગોસ્વામી વિરુદ્ધ દેશદ્રોહનો કેસ દાખલ કરાવવાની શરૂઆત ટુંક સમયમાં જ થવાની છે. મુંબઇમાં કોંગ્રેસના કાર્યકર્તા સંમેલનમાં મુંબઈ કોંગ્રેસના નવનિયુક્ત અધ્યક્ષ ભાઈ જગતાપે વધુમાં જણાવ્યું હતુ કે, તેઓ પોતે અને મુંબઈ કોંગ્રેસના કાર્યાધ્યક્ષ ચરણજીત સિંહ સપરા સોમવારે આઝાદ મેદાન પોલીસ સ્ટેશનમાં અર્નબ ગોસ્વામી વિરુદ્ધ દેશદ્રોહનો કેસ દાખલ કરાવશે. ચેનલની TRP વધારવા માટે ગોસ્વામીએ ખુલ્લેઆમ દેશની સુરક્ષા સાથે જોડાયેલી ગુપ્ત જાણકારીઓ પોતાની ચેનલ પર દેખાડી હતી. આ કૃત્ય દેશ સાથે ગદ્દારી સમાન જ છે. તેમણે કહ્યું કે બાલાકોટ પર થયેલા આતંકી હુમલાથી પહેલા અને જવાબમાં પાકિસ્તાન પર કરવામાં આવેલી સર્જીકલ સ્ટ્રાઇકની જાણકારી પહેલા જ ગોસ્વામી સુધી પહોંચી જવી તે ઘટના સામાન્ય નથી.
મોદી સરકારે પણ આ બાબતે ખુલાસો કરવો જોઈએ. અર્નબ ગોસ્વામી અને મોદી સરકારની ખાસ સાંઠગાંઠ છે. અર્નબ ગોસ્વામી BJPના દલાલ તરીકે કામ કરી રહ્યો છે તે સ્પષ્ટ છે.