યોગી આદિત્યનાથે ગઇકાલે ફરીથી યુપીના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. લખનૌમાં આયોજિત ભવ્ય સમારોહમાં સીએમ અને ડેપ્યુટી સીએમ સહિત 53 મંત્રીઓએ શપથ લીધા હતા. કેશવ પ્રસાદ મૌર્ય અને બ્રજેશ પાઠકને ડેપ્યુટી સીએમ બનાવવામાં આવ્યા છે. સાથે જ યુપીના મૌના કાઝા ખુર્દ ગામના રહેવાસી અરવિંદ કુમાર શર્માને પણ યોગીની કેબિનેટમાં સામેલ કરવામાં આવ્યા છે.
યોગી કેબિનેટ 2.0માં મંત્રી બનેલા અરવિંદ કુમાર શર્મા 1988 બેચના ગુજરાત કેડરના IAS અધિકારી છે. અરવિંદ કુમાર શર્મા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નજીકના માનવામાં આવે છે. તેઓ 2014માં વડાપ્રધાન કાર્યાલય (PMO)માં જોઈન્ટ સેક્રેટરી તરીકે જોડાયા હતા અને 2017માં તેમને એડિશનલ સેક્રેટરીના હોદ્દા પર બઢતી આપવામાં આવી હતી.
અરવિંદ કુમાર શર્મા સૂક્ષ્મ અને લઘુ મંત્રાલયમાં સચિવ બન્યા બાદ પીએમઓમાંથી બહાર નીકળી ગયા હતા. વર્ષ 2021 માં, તેમણે તેમના પદ પરથી સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી. આ પછી તેમણે ભારતીય જનતા પાર્ટી (BJP)નું સભ્યપદ લીધું. યુપી ચૂંટણીની જાહેરાત પહેલા જ અરવિંદ શર્માએ આખા ઉત્તર પ્રદેશમાં ફર્યા અને પાર્ટીના સંગઠનને મજબૂત કરવાનું કામ કર્યું. તેઓ ભાજપમાં જોડાયા ત્યારથી એવી અટકળો ચાલી રહી હતી કે યોગી સરકારમાં તેમને મોટું પદ આપવામાં આવી શકે છે. હાલમાં અરવિંદ કુમાર શર્મા ભાજપના વિધાન પરિષદના સભ્ય છે. 11 જુલાઈ, 1962ના રોજ જન્મેલા અરવિંદ કુમાર શર્માની ઉંમર 59 વર્ષ છે.
યોગી આદિત્યનાથના શપથ ગ્રહણ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અનેક કેન્દ્રીય મંત્રીઓ અને ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓએ હાજરી આપી હતી. આ સિવાય દેશના મોટા ઉદ્યોગપતિઓને પણ આમંત્રણ મોકલવામાં આવ્યું હતું.