અરબી સમુદ્રમાંમાં લો પ્રેશર એક્ટિવિટીને પગલે વાવાઝોડું તૌકતેની કરાયેલી આગાહીથી ભારતના ગુજરાત, કેરળ, મહારાષ્ટ્ર સહિતના રાજ્યોને એલર્ટ પર રખાયા છે. શનિવારે સાંજથી સમુદ્રમાં વાવાઝોડું વધુ મજબૂત બનીને ઉત્તર-ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે. જેને પગલે ગુજરાતના દરિયા કિનારા પર ખતરો વધ્યો છે. આ વાવાઝોડું 18 મેના રોજ ગુજરાતના દરિયા કિનારા નજીક આવી પહોંચે તેવી શકયતા છે. તંત્ર દ્વારા અગમચેતીના ભાગરુપે અત્યારથી જ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી દેવાય છે. દરમિયાન શનિવારે સાંજે સૌરાષ્ટ્રના દરિયામાં વાવાઝોડાની અસર જોવા મળી હતી. સૌરાષ્ટ્રના દરિયામાં 10 ફૂટ ઊંચાં મોજા ઊછળ્યાં હતા. સવારથી શાંત દરિયો સાઈક્લોનના પગલે બપોર પછી તોફાની બની ગયો હતો. એ જ રીતે દક્ષિણ ગુજરાતના દરિયા કિનારેથી પણ વાવાઝોડાની અસર જોઈ શકાય છે. લાઈટ હાઉસ પાસે આવેલા મંદિર સુધી હાલ કરન્ટને કારણે દરિયાના મોજા ઉછળી રહ્યા છે. હવામાન વિભાગના અંદાજા પ્રમાણે 18 મેના રોજ તૌક્તે વાવઝોડું ગુજરાતના દરિયા કિનારા નજીક પહોંચશે. ત્યારે દરિયાના મોજાની તીવ્રતા વધી જવાની સંભાવના છે. આ સાથે જ કેટલાક વિસ્તારોમાં વરસાદ થશે. હવામાન વિભાગના ડાયરેકટર મનોરમાં મોહન્તિએ જણાવ્યું છે કે, 16થી 18 મેના રોજ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થશે. જયારે ગુજરાતમાં કાંઠા વિસ્તાર તથા તેને અડીને આવેલા જિલ્લામાં 90થી 100 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. વાવાઝોડાને કારણે ગુજરાતના વાતાવરણમાં પલટો આવવાની પ્રબળ શકયતા છે.