ગુજરાતમાં દારુ બંધીનો અમલ માત્ર કાગળ પર જ થઈ રહ્યો છે. કોંગ્રેસ કે ભાજપની સરકારને હકીકતમાં દારુબંધીમાં કોઈ જ રસ રહ્યો નથી. દર વર્ષે ગુજરાતમાંથી પકડાતા દારુના જથ્થા અને બુટલેગરો સામે નોંધાતા કેસોએ આ વાતને પુરવાર કરી છે. હવે દારુના વ્યવસાય સાથે સંકળાયેલા બુટલેગરો અને ખેપીયાઓ કેટલી હદે બેફામ બની ગયા છે તેનો કિસ્સો સુરતના અંત્રોલીમાં જોવા મળ્યો હતો. સુરત-કડોદરા રોડ પર આવેલા અંત્રોલી ગામે રહેતા બુટલેગરને થોડા દિવસો પહેલાં જ પોલીસે પકડ્યો હતો. જે બાદ બુટલેગર જ્યારે જેલમાંથી બહાર આવ્યો ત્યારે તેણે કારના કાફલા સાથે નેતાની જેમ રેલી કાઢી હતી. આ દ્રશ્ય જોઈને ગામજનો દંગ રહી ગયા હતા.
પલસાણા તાલુકાના વાંકાનેડા ગામના ઉપસરપંચને રિવોલ્વર બતાવી ધમકી આપવાને મામલે કુખ્યાત બુટલેગર આશ્વર વાંસફોકડિયા સામે ફરિયાદ થઈ હતી. જે બાદ પોલીસે કાર્યવાહી શરૃ કરીને તેની ધરપકડ કરી હતી. જો કે, કોર્ટમાંથી આશ્વર વાંસફોકડિયાને જામીન મળી ગયા હતા. જે બાદ તેણે એક ભુરા રંગની જેગુઆર કારમાં બેસી સાથે સમર્થકોનો કાફલો રાખ્યો હતો. બુટલેગર ગામમાં પહોંચતા જ સમર્થકોએ તેનુ જોરદાર સ્વાગત કર્યું હતુ. જે બાદ બુટલેગરની કાર સાથે અન્ય વાહનો પણ રેલીમાં જોડાયા હતા.
આ સમયે ડીજે પર ધૂમ મચાવતા ગીતો પણ વગાડાયા હતા. જેમાં શુટઆઉટ એટ વડાલા મુવીના એ માન્યા… સોંગ વાગતા જ બુટલેગરના સમર્થકો નાચી ઉઠ્યા હતા. ભાઈ બોલે તો.. જીને કા… ભાઈ બોલે તો પીને કા… આવા શબ્દો સાથે સમર્થકોએ ગામને ગજવી દીધું હતુ. બુટલેગરની જેગુઆર કારની આગળ અને પાછળ અન્ય લક્ઝૂરિયસ કારનો કાફલો જોવા મળ્યો હતો. બુટલેગરની રેલીનો આ વીડિયો સોશિયલ મીડિયામાં જોરદાર રીતે છવાઈ ગયો છે.
જો કે, આ સાથે જ સુરત શહેર તથા જિલ્લાના લોકોમાં પોલીસ તંત્ર અને સરકારની હાકધામ સામે સવાલો ઉઠી રહ્યા છે. ગામના જ ઉપ-સરપંચને ધમકાવવાના કેસમાં મળેલા જામીનને પગલે હરખમાં કાઢવામાં આવેલી રેલી વિવિધ પ્રચાર માધ્યોમાં પણ ચમકી હતી. આ રેલી પોતાના વિસ્તારમાં પોતાનો રૌફ બતાવવા અને કાયદાના હાથમાંથી કેવો છટકી ગયો તે બતાવવા બુટલેગર દ્વારા કાઢવામાં આવી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આ અગાઉ વડોદરામાં પણ હત્યાના આરોપીને જામીન મળ્યા ત્યારે તેણે ઘર સુધી ઓડી કારમાં રેલી કાઢી હતી. આ પ્રકારની ઘટનાઓ ગુજરાતમાં કાયદો વ્યવસ્થાની સાચી સ્થિતિ અને પોલીસ તંત્ર તથા સરકારની ઢીલી નીતિને ઉજાગર કરી રહી છે.